સુરત, 01 જૂન : સમગ્ર વિશ્વને હચમચાવનારી કોરોનાની મહામારીએ ભારતના લોકજીવનને પણ દયાજનક સ્થિતિમાં મૂકી દીધું છે.દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાતમા અમદાવાદ બાદ સુરત શહેરમાં હવે કોરોના બેકાબુ બન્યો છે.દિન પ્રતિ દિન કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે.તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવા છતાં કોરોના સામે તંત્ર વામણું પુરવાર થઇ રહ્યું છે.સુરત શહેરમાં મંગળવારે સાંજે 183 અને જિલ્લામાં 22 કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાતા છેલ્લા 24 કલાકમાં શહેર-જિલ્લામાં અધધ કહી શકાય તેમ કુલ 205 સંક્રમિત દર્દીઓ નોંધાયા છે.શહેરની બગડતી પરિસ્થિતિને અંકુશમાં લેવા રાજ્યના આરોગ્ય વિભાગના અગર સચિવ જ્યંતી રવિ અને ઉચ્ચ અધિકરીઓનો કાફલો મંગળવારે સુરત આવી પહોંચ્યો છે અને હાલ મીટિંગોનો દોર ચાલુ છે.
સુરત શહેરમાં મંગળવારે નોંધાયેલા કોરોના ગ્રસ્ત 183 દર્દીઓ સાથે શહેરનો કુલ આંકડો હવે 4713 પર જયારે જિલ્લામાં 22 દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 547 પર પહોંચ્યો છે આથી, સુરત શહેર-જિલ્લાનો કુલ આંકડો હવે 5260 પર પહોંચ્યો છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓના મોત થયા છે.જેમાં,સેન્ટ્રલ ઝોનના 52 વર્ષીય પુરુષ,લીંબાયત ઝોનના 70 વર્ષીય પુરુષ, વરાછા એ ઝોનના 68 વર્ષીય પુરુષ અને લીંબાયત ઝોનના 45 વર્ષીય સ્ત્રી નો સમાવેશ થાય છે.આ મોતના કારણે સુરત શહેરમાં મૃતકોનો કુલ આંક હવે 173 પર અને જિલ્લામાં 1 મૃતક સાથે જિલ્લામાં મૃતકોનો કુલ આંક 16 પર પહોંચ્યો છે.આથી,સુરત શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંક 189 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 136 દર્દીને જયારે જિલ્લામાં 11 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવતા શહેર-જિલ્લામાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંકડો હવે 3245 પર પહોંચ્યો છે જેમાં જિલ્લાના કુલ 287 ડિસ્ચાર્જ દર્દીઓનો સમાવેશ થાય છે.
સુરત જિલ્લામાં હાલ એક્ટિવ ક્લસ્ટરની સંખ્યા 320 છે.કન્ટેનમેન્ટ ક્લસ્ટર વિસ્તારમાં આવેલા કુલ 16631 ઘરોમાં રહેતા કુલ 64794 લોકો હાલ કોરેન્ટાઇન છે.આ ક્લસ્ટર વિસ્તારમાં હાલ તંત્ર દ્વારા 431 ટીમ સતત કાર્યરત છે.