વોશિંગ્ટન તા.1 : એક અચાનક હિલચાલમાં, અમેરિકી ફેડરલ કોમ્યુનીકેશન્સ કમીશન (એફસીસી) એ ચાઈનીઝ ટેલીકોમ વેન્ડર્સ હુવેઈ ટેકનોલોજીસ કંપની અને ઝેડટીઈ કોર્પોરેશન તેની તમામ પેરન્ટ અને પેટાકંપનીઓ તેમજ સંલગ્ન કંપનીઓને ‘રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ’ જાહેર કરી છે.
ચાઈનીઝ સરકારની નજીક હોવાનો તેમજ અમેરિકી નાગરિકોના ડેટા શેર કરવાના આક્ષેપનો સામનો કરી રહેલી હુવેઈ અને ઝેડયીઈ પર આ નિર્ણયથી વધુ દબાણ આવશે.અમેરિકા-હુવેઈ-ઝેડટીઈ વચ્ચેની લડાઈ દસકા જુની છે.ચાઈનીઝ ટેલીકોમ ઈકિવપમેન્ટ કંપની સામે પ્રથમ સતાવાર પગલું 2012માં લેવાયું હતું.એ વખતે હાઉસ ઈન્ટેલીજન્સ કમીટીએ રિપોર્ટ જારી કરી જણાવ્યું હતું કે આ કંપનીઓ રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ છે અને અમેરિકી બિઝનેસીસએ તેમની પાસેથી માલસામાન લેવાનું ટાળવું જોઈએ.2018માં પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે બે વેન્ડર્સમાંથી એક ઝેડટીઈ 1.6 અબજ ડોલરનો દંડ ભરી અને ઉચ્ચ કક્ષાની સુરક્ષા ગેરંટી આપી અમેરિકામાં બીઝનેસ કરી શકશે.ટ્રમ્પના પુરોગામી બરાક ઓબામા પ્રશાસને પણ ઈરાન પર લાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો ભંગ કરવા બદલ ઝેડટીઈને સાત વર્ષ બ્લેક લિસ્ટમાં મુકી હતી.
હવે એફસીસીના ગઈકાલના ઝેડટીઈને રાષ્ટ્રીય સુરક્ષા જોખમ તરીકે ફરી વર્ગીકૃત કરવાના નિર્ણયથી અમેરિકામાં કામ કરવા દેવાના ટ્રમ્પનો નિર્ણય વ્યવહારમાં ઉલ્ટાઈ ગયો છે.એફસીસી ચેરપર્સન અજીત પાઈએ જણાવ્યું હતું કે બન્ને કંપનીઓ ચાઈનીઝ સામ્યવાદી પક્ષ અને ચીનના લશ્કરી તંત્ર સાથે ગાઢ સંબંધો ધરાવે છે અને બન્ને કંપનીઓ ચીનની ઈન્ટેલીજન્સ સર્વિસીસ સાથે સહયોગ કરવા ચીનના કાયદાથી બંધાયેલી છે.
હુવેઈ વિશ્વની સૌથી મોટી ટેલીકોમ ઈકવીપમેન્ટ બનાવતી કંપની છે અને મોબાઈલ ફોન પાર્ટસ બનાવતી બીજા નંબરની કંપની છે.બીજી બાજુ ઝેડટીઈએ ચીનમાં તેમના પેટન્ટેડ ઈકિવપમેન્ટ ઓછા ખર્ચ બનાવવા કેટલાય મોટા કોર્પોરેશન સાથે સમજુતી કરી છે.હુવેઈ અને ઝેડટીઈ પરના પ્રતિબંધનો અર્થ એ થયો કે ટેલીકોમ ઈકિવપમેન્ટના ખર્ચમાં 30% સુધી વધારો થઈ શકે છે.વિશ્વના તમામ દેશો 5-જી સેવા શરુ કરવા જઈ રહ્યો છે ત્યારે આ ઘટનાક્રમ બન્યો છે.