પક્ષપલટુ ધારાસભ્ય સોમા પટેલ,પ્રવિણ મારૂ અને મંગળ ગાવિતને ભાજપની ટિકિટ નહી, ટિકિટ માટે સચિવાલયના આંટાફેરા.

328

અંગત કામો કરાવવા માટે ધારાસભ્યો મતદારોનો વિશ્વાસ બાજુએ મૂકી પક્ષપલટો કરવા માંડ્યા છે.છેલ્લા કેટલાક વખતથી ગુજરાતના રાજકારણમાં પરિવર્તન આવ્યું છે.વિધાનસભા ચૂંટણી હોય કે રાજ્યસભાની ચૂંટણી હોય. રાજકીય સોદા પાર પાડી ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે.હવે તો જાણે પક્ષપલટો એક નવો ટ્રેન્ડ બની ચૂક્યો છે.રાજ્યસભાની ચૂંટણી વખતે પણ કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ પક્ષપલટો કર્યો છે જે હવે કમળના નિશાન પર પેટા ચૂંટણી લડવા માટે તત્પર બન્યા છે પણ આ પક્ષપલટુ નેતાઓને પણ હવે ભૂંડી દશા થઈ છે કેમ કે ભાજપ તેમને ટિકિટ આપે છે કે કેમ તેના તે પણ એક પ્રશ્ન છે.

ધારીના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાને ટિકિટ મળે તેમ નથી એટલે તેઓ તેમના પત્નીને ટિકિટ મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે.આ તરફ પ્રદ્યુમનસિંહ અબડાસાની ટિકિટ પર ચૂંટણી લડવા ઉત્સુક છે.જ્યારે પ્રવીણ મારુ પણ ટિકિટ માટે સચિવાલયના આંટાફેરા મારી રહ્યા છે.ગઈકાલે સોમા પટેલે પણ મુખ્યમંત્રી સાથે મીટિંગ કરી હતી.આમ આ બધા જ પક્ષપલટુ ધારાસભ્યોની ચિંતા વધી છે કેમ કે ભાજપના જ લોકો આ બધા જ પક્ષપલટુઓનો પૂરજોશમાં વિરોધ કરી રહ્યા છે.ભાજપે બધી જ બેઠકો પર બે નિરીક્ષકો મોકલવા નક્કી કર્યું છે.નિરીક્ષકના રિપોર્ટ પછી ભાજપની નેતાગીરી ટિકિટ અંગેનો નિર્ણય લેશે પણ અત્યારે તો એ વાત નક્કી છે કે આઠ પક્ષપલટોમાંથી અડધોઅડધને ટિકિટ નહીં મળે.

ગુજરાત રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ભાજપે પેટાચૂંટણી માટે પ્રભારી મંત્રી-સંગઠનના પદાધિકારીઓને બેઠક દીઠ જવાબદારી સોંપી દીધી છે પણ પક્ષપલટુઓને ટિકીટને લઇને ભાજપની પ્રદેશની નેતાગીરી મૂંઝવણમાં મૂકાઇ છે.આજે પાટનગર ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્ય સોમા પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક કરી હતી.સૂત્રોના મતે, કોંગ્રેસ છોડીને આવેલાં આઠ ધારાસભ્ય પૈકી પાંચને ભાજપ ટિકીટ આપી શકે છે જયારે અન્ય ત્રણ પક્ષપલટુ ધારાસભ્ય સોમા પટેલ, પ્રવિણ મારૂ અને મંગળ ગાવિતને ટિકિટ નહી મળે.

સૂત્રોના મતે, કોંગ્રેસ છોડીને આવેલાં આઠ ધારાસભ્ય પૈકી પાંચને ભાજપ ટિકીટ આપી શકે

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા ધર્યા હતાં જેના પગલે આ બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે.આ આઠ ધારાસભ્યો પૈકી બ્રિજેશ મેરઝા,જીતુ ચૌધરી,જે.વી. કાકડિયા,અક્ષય પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો છે.હજુ સોમા પટેલ,પ્રવિણ મારૂ અને મંગળ ગાવિતને પક્ષમાં જોડાવવા ભાજપે આમંત્રણ આપ્યુ નથી.મત વિસ્તારમાં પક્ષપલટુ ધારાસભ્યો પ્રત્યે મતદારોમાં ભારે રોષ ભભૂક્યો છે તે જોતાં હાલ પુરતું આ ત્રણેય ધારાસભ્યોને કેસરિયો ખેસ પહેરાવવાનુ મોકુફ રખાયુ છે.આઠ પૈકી પાંચ પક્ષપલટુઓને ભાજપે ટિકીટ આપવી પડે તેમ છે.

પક્ષપલટુ ધારાસભ્યો પ્રત્યે મતદારોમાં ભારે રોષ ભભૂક્યો

ત્યારે બીજી તરફ,પક્ષપલટો કર્યા બાદ હવે આ ત્રણેય ધારાસભ્યોની પરિસ્થિતી વધુ વિકટ બની છે.ગઇકાલે પુર્વ ધારાસભ્ય પ્રવિણ મારૂએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.જયારે આજે સોમા ગાંડા પટેલ પણ સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીને મળ્યા હતાં.પક્ષપલટુ ધારાસભ્યોનો મળવાનો દોર આજેય યથાવત રહ્યો હતો.સૂત્રોના મતે,સોમા પટેલને ભાજપ ટિકીટ નહી આપે.આ બેઠક પર પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ટિકીટ માટે મથામણ કરી રહ્યાં છે.

પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ટિકીટ માટે મથામણ

આ જોતાં ભાજપ નેતાગીરી સોમા પટેલને પેટાચૂંટણી નહી લડાવે બલ્કે બોર્ડ-નિગમમાં સ્થાન આપે તેવી શક્યતા જોવાઇ રહી છે.આ તરફ, ગઢડા બેઠક પર પ્રવિણ મારૂનુ પત્તુ કપાઇ શકે છે.આ બેઠક પર પૂર્વ મંત્રી આત્મારામ પરમાર પેટાચૂંટણી લડે તો નવાઇ નહીં.બે પૂર્વ મંત્રીઓએ ટિકીટ માટે અત્યારથી રાજકીય લોબિંગ કર્યું હોવાની માહિતી સાંપડી છે.આમ,ભાજપમાં પેટાચૂંટણી લડવા મૂરતિયાઓ તૈયાર થયા છે પણ પક્ષપલટા વખતેે ટિકીટ આપવાનુ વચન આપ્યુ હોવાથી મૂળ કોંગ્રેસીઓને ચૂંટણી મેદાને ઉતારવાની ભાજપની મજબૂરી છે.

Share Now