તિરુવનંતપુરમ, તા.8 જુલાઈ 2020, બુધવાર
કેરાલાના તિરુવનંતપુરમના એરપોર્ટ પર ડિપ્લોમેટિક પાઉચમાંથી પકડાયેલા 30 કિલો સોના બાદ હવે આ આખા કૌભાંડની એક પછી એક વિગતો સપાટી પર આવી છે.કેરાલાના સીએમ પી વિજયનની ઓફિસ સુધી આ કૌભાંડનો રેલો પહોંચ્યો છે ત્યારે આ મામલામાં યુએઈ ખાતેની એમ્બેસીની કર્મચારી સ્વપ્ના સુરેશનુ નામ ખુલ્યુ છે. સ્વપ્ના સુરેશની સીએમ વિજયન સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે. બીજી તરફ સીએમે કહ્યુ છે કે, હું તપાસ માટે તૈયાર છું.
રાતોરાત ગોલ્ડ સ્મગલિંગ ક્વીન તરીકે જાણીતી થઈ ગયેલી સ્વપ્નાનો જન્મ અબુધાબીમાં થયો હતો. તેણે એમ્બેસીમાં કામ કરતા પહેલા એરપોર્ટ પર નોકરી કરી હતી. લગ્ન બાદ છુટાછેડા થતા તે કેરાલા આવી ગઈ હતી. જ્યાં તેણે ટ્રાવેલ એજન્સી અને એ પછી એર ઈન્ડિયામાં કામ કર્યુ હતુ. 2016માં છેતરપિંડીના એક કેસમાં તેનુ નામ આવ્યા બાદ તે પાછી અબુધાબી જતી રહી હતી.જ્યાં તે યુએઈ કોન્સુલેટમાં કોન્સ્યુલેટ જનરલની સેક્રેટરી બની હતી. ગયા વર્ષે જ તેને નોકરીમાંથી કાઢી મુકાઈ હોવાનુ પોલીસનુ કહેવુ છે.સ્વપ્નાનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્ય છે. તેણે એર ઈન્ડિયાની નોકરી દરમિયાન એક ઓફિસર પર ખોટા આરોપ મુકીને ફસાવ્યો હતો. આ મામલાની તપાસ થઈ ત્યારે પોલીસ પર સ્વપ્નાને છોડી દેવા માટે ભારે દબાણ થયુ હતુ.
કોન્સ્યુલેટમાં નોકરી દરમિયાન તે મોટા માથાઓના સંપર્કમાં આવી હતી. કેરલ આવતા આરબ નેતાઓની ટીમમાં તે રહેતી હતી.સ્વપ્નાના ફ્લેટ પર કેરાલાના આઈટી સેક્રેટરી એમ શિવસંકરની અવર જવર રહેતી હતી. જે સીએમના પણ સચિવ અત્યાર સુધી હતા.જોકે સ્મગલિંગમાં તેમનુ પણ નામ ઉછળ્યા બાદ તેમને સચિવ પદેથી હટાવાઈ દેવાયા છે.