તાજેતરમાં ગૃહ મંત્રાલયે લીધેલા એક નિર્ણયથી કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થવાની સંભાવના છે. ગૃહ મંત્રાલયે કૉંગ્રેસ અને ગાંધી પરિવારના ત્રણ ટ્રસ્ટો રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ કરવાનું નક્કી કર્યું છે.ફાઉન્ડેશનના ભંડોળ, તેમના દ્વારા કરવામાં આવેલા ઉલ્લંઘનો વગેરેની તપાસ કરવામાં આવશે.ગૃહ મંત્રાલયે ત્રણ ટ્રસ્ટના ફંડિગની તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સ્પેશિયલ ડાયરેક્ટરના નેતૃત્વમાં સમિતિ બનાવી છે
બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તા દ્વારા ટ્વીટર કરીને માહિતી આપવામાં આવી હતી કે, ‘કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આંતરિક મંત્રાલય સમિતિની રચના કરી છે. જે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ કરશે.આ તપાસમાં પીએમએલએ એક્ટ,ઇન્કમટેક્સ એક્ટ, એફસીઆરએ એક્ટના નિયમોના ભંગની તપાસ કરવામાં આવશે.સમિતિની અધ્યક્ષતા ઈડીના વિશેષ નિયામક કરશે.
હકીકતમાં, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ઘેરી લીધી હતી.ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી નાણાં મળતા હતા.આ સિવાય યુપીએ સરકારે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને દેશ માટે વડા પ્રધાન રાહત ફંડમાંથી પૈસા પણ આપ્યા હતા.ભાજપનો આક્ષેપ છે કે,વર્ષ 2005થી 2008 સુધી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આ રકમ પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રિલિફ ફન્ડ (PMNRF) પાસેથી મળી હતી.જો કે,કોંગ્રેસે આ બધા આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન દેશનો પાયો છે અને તેનું કાર્ય સેવા કરવાનું છે. કોંગ્રેસે કહ્યું હતું કે,રાજીવ ગાંધી ફાઉન્ડેશનને વર્ષ 2005-06માં PMNRF પાસેથી 20 લાખ રૂપિયાની નજીવી રકમ મળી હતી. જેનો ઉપયોગ આંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સમાં રાહત કાર્ય માટે કરવામાં આવ્યો હતો.