વડોદરામાં આવાસ યોજનાના નામે બે હજાર કરોડનું કૌભાંડ: વડાપ્રધાનને રાવ

485

– મ્યુ. તંત્રે કોના ઈશારે આચર્યુ કૌભાંડ ? શહેર કોંગ્રેસનો વેધક સવાલ

– મુખ્યમંત્રીને પણ કરાઈ રજૂઆત

શહેરના સંજયનગર આવાસ યોજનાના બે હજાર કરોડના કૌભાંડ અંગે કોંગ્રેસે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. કોર્પોરેશને આવું કૌભાંડ કોના ઈશારે કર્યું તેવા સવાલો પણ કોંગ્રેસે ઉઠાવ્યા છે.

સંજય નગર આવાસ યોજનામાં કોર્પોરેશનના કૌભાંડની વિરુધ્ધ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ ના નેતૃત્વ માં શહેર કોંગ્રેસ દ્વારા વારંવાર આંદોલન કરવામાં આવ્યું તે અંતર્ગત શહેર પ્રમુખ પ્રશાંત પટેલ દ્વારા કોર્પોરેશન વિરુધ્ધ રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રીનને ફરિયાદ કરવામાં આવી છે.
સંજય નગર આવાસ યોજના માં ૨૦૧૭ થી કોર્પોરેશન દ્વારા લાભાર્થીઓને તથા કોર્પોરેશનની તિજોરીને નુકશાન પહોંચાડી ૨૦૦૦ કરોડનું કૌભાંડ કોના ઈશારે અને કોના ફાયદા માટે કરવામાં આવ્યું તેવા સવાલો ઉઠાવ્યા છે.

૩ વર્ષ પહેલાં વારશિયા રિંગ રોડ પર આવેલ સંજય નગર આવાસમાં આવેલ ૧૮૫૦ કાચા પાકા મકાન કોર્પોરેશ દ્વારા તોડી પાડવામાં આવ્યા અને ગુજરાત સરકાર દ્વારા બનાવેલ સ્લમ રિહેબીલીટેશન ની સુધારેલ જોગવાઈઓ મુજબ આ મકાનો તોડી બિલ્ડર ને પીપીપી હેઠળ સોંપી દેવામાં આવ્યો.

૩ વર્ષ પછી પણ એક ઇટ પણ નહીં મૂકી શકનાર બિલ્ડરને કયા મેરીટ પર આ પ્રોજેકટ આપવામાં આવ્યો? કોર્પોરેશનની અણઆવડતને કારણે ૨૦૦૦ કરોડનું આ કૌભાંડ આચરવામાં આવ્યું જેને શહેર કોંગ્રેસ દ્વારા ઉઘાડું પાડવામાં આવ્યું. અણઘડ સત્તાધારીઓ દ્વારા ૧૬ લાખ સ્કવેર ફૂટની જમીન બિલ્ડરને કોઈ પણ કરાર વગર પધરાવી દીધી અને લાભાર્થીઓને રઝળતા કરી મૂક્યા અને છતાં શાસક પક્ષ નું અકલ્પીનય અકથ્ય મૌન એક પ્રશ્નાર્થ ચિન્હ સમાન છે. સ્માર્ટ સિટી અંતર્ગત આ પ્રોજેકટની હજી કોઈ શરૂઆત થઈ નથી અને બિલ્ડર સાથે સંજય નગરના રહીશો સાથે થયેલ કરાર મુજબ દર મહિને ૨ હજાર રૂપિયા ભાડું ચૂકવવાની બાબતે રહીશોને ધક્કા ખવડાવી રહ્યાં છે.

૧૬ લાખ સ્કવેર ફૂટની જમીન મફતના ભાવે પધરાવી ૨૦૦૦ કરોડનું કૌભાંડ આચરતા સત્તાધીશો સામે કોંગ્રેસની માંગણી છે કે, સમય મર્યાદાની અંદર આ પ્રોજેકટ પૂરો થયો નથી જેથી આ કોન્ટ્રાકટ તાત્કાલિક રદ કરી કોર્પોરેશન આ પ્રોજેકટ પોતાના હસ્તક લે જેથી લાભાર્થીઓને માત્ર ૩૫૦ ફૂટની શ્વાસ રૂંધાઇ જાય એવી ઓરડી નહીં પરંતુ ૬૦૦ ફૂટનું મકાન બનાવી આપી શકાય અને ખાલી પડેલી કોર્પોરેશનની તિજોરીમાં આવક થાય.

આ અંગેની વિસ્તૃત ફરિયાદની નકલ રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રીને મોકલાઈ છે. તેમ પ્રવકતા શ્ર્વેતા મહેતા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું.

Share Now