– Tocilizumab અને Rhemdesivir નામના ઈન્જેક્શનનો સ્ટોક પૂરો થઈ જવાથી કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક ભયાનક સ્તરે વધવાની દહેશત
સુરત : કોરાના દર્દીઓની કથળી ચૂકેલી સ્થિતિમાં કામ લાગતું Tocilizumab અથવા Rhemdesivir નામના મોંઘુદાટ ઈન્જેક્શન માટે પણ હવે દર્દીઓના સગાવહાલાં ફાંફા મારતા થઈ ગયા છે. હજારો રૂપિયા ખર્ચવા તૈયાર હોવા છતાં આ ઈન્જેક્શન નથી મળી રહ્યું.40,000ની કિંમતના આ ઈન્જેકશન માટે ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા વસુલવામાં આવી રહ્યાં છે પરંતુ કહેવાય છે કે ઈન્જેકશનનો સ્ટોક જ ખલાસ થઈ જતા આગામી દિવસોમાં કોરાના દર્દીઓની હાલત ખૂબ જ ખરાબ થવાની છે, મોતના મુખમાંથી દર્દીઓને બચાવવું અઘરું થઈ જશે.
રાજયના આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ સુરતમાં ધામા નાંખવા પડે,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરત દોડી આવવું પડે અને કામગીરીની સમીક્ષા કરવી પડે તેના પરથી જ ફલિત થાય છે કે શહેરમાં કોરોનાની સ્થિતિ કેવી હશે.હીરાના કારખાના બંધ ન કરાવ્યા તેના પરિણામે સુરત આજે કોરાના જવાળામુખી પર બેઠું છે. હોસ્પિટલોમાં જગ્યા નથી અને જેઓની સિવિલ અને સ્મીમેરમાં સારવાર ચાલે છે તેમાં મોટાભાગના પેશન્ટના સગાઓની વહીવટી સામે ગંભીર ફરિયાદો છે. દર્દીઓના અકાળે મૃત્યુ થઈ રહ્યાં છે.ક્રિટિકલ કંન્ડીશન ધરાવતા દર્દીઓને જે ઈન્જેકશન આપવામાં આવે છે તેનો સ્ટોક પણ હવે સરકાર પાસે નહિં હોવાની વાત છે જે ભયંકર સ્થિતિના એંધાણ આપે છે.જો ક્રિટિકલ પેશન્ટનેTocilizumab કે Rhemdesivir નામનું આ ઈન્જેકશન આપવામાં આવે તો તેની 24 કલાકમાં રિકવરી શરૂ થઈ જાય છે. આ એક ઈન્જેકશનની કિંમત 30 હજારની છે પરંતુ તેના બદલે 40,000 વસુલવામાં આવે છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં મનમાની મુજબ 80,000થી એક લાખ રૂપિયા પણ વસુલવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી છે.આમ છતાં જરૂરતમંદોને હાલ તો ઈન્જેકશન મળતું જ નથી.સરકાર દ્વારા અસરકારક પગલાં જરૂરી છે નહિં તો સ્થિતિ એટલી હદે કાબુ બહાર જતી રહેશે કે કોરોના સંક્રમિત દર્દીઓને બચાવવા જ અઘરાં થઈ જશે.