મની લોન્ડરિંગ કેસમાં ED એ કરી મોટી કાર્યવાહી, યસ બેંકના સહસ્થાપક અને DHFL ના પ્રમોટર બંધુઓની કરોડોની સંપત્તિ જપ્ત

236

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ મની લોન્ડરિંગ વિરૂદ્ધના કાયદા હેઠળ યસ બેંકના સહસ્થાપક રાણા કપૂર ડીએચએફએલના પ્રમોટર વાધવાન બંધુઓની કુલ 2800 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ જારી કરાયેલા પ્રોવિઝનલ ઓર્ડર હેઠળ રાણા કપૂર અને ડીએચએફએલના પ્રમોટર ભાઇઓ કપિલ અને ધીરજ વાધવાનની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.કેન્દ્રીય એજન્સીએ કેટલીક વિદેશી મિલકતો પણ ટાંચમાં લીધી છે.

4300 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ કરવાનો આરોપ

ઇડીએ કપૂર અને તેમના પરિવારજનો તથા અન્યો પર મોટી રકમની લોન મંજૂર કરવાના બદલામાં મળેલા લાંચના નાણાં દ્વારા 4300 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ કરવાનો આરોપ મૂક્યો છે. લાંચ લઇને જે લોન આપવામાં આવી હતી તે એનપીએ(નોન પરફોર્મિંગ એસેટ) બની ગઇ છે.

માર્ચમાં થઇ હતી રાણા કપૂરની ધરપકડ

માર્ચ મહિનામાં કેન્દ્રીય તપાસ એજન્સીએ કપૂરની ધરપકડ કરી હતી અને હાલમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.ઇડીએ 6 મે, 2020ના રોજ કપૂર વિરૂદ્ધ વિગતવાર ચાર્જશીટ દાખલ કરી હતી.

સીબીઆઇએ વાધવાન બંધુઓની ધરપકડ કરી હતી

ઉલ્લેખનીય છે કે યસ બેંક સાથે સંકળાયેલા અન્ય એક કેસમાં સીબીઆઇએ વાધવાન બંધુઓની ધરપકડ કરી હતી.રાણા કપૂરે 2004માં યસ બેંકની સ્થાપના કરી હતી અને તેઓે જાન્યુઆરી, 2019 સુધી બેંકના એમડી અને સીઇઓ હતાં. તેમના કાર્યકાળમાં કુલ 20,000 કરોડ રૂપિયાની લોન એનપીએ બની હતી.

વાધવાન બંધુઓને લોન આપવા કપૂરના પરિવારને મળી હતી મોટી રકમ

સીબીઆઇએ વાધવાન બંધુઓની અપ્રિલ મહિનામાં ધરપકડ કરી હતી.તપાસ એજન્સીઓ કપૂરના પરિવાર અને ડીએચએફએલના વાધવાન બંધુઓ વચ્ચે થયેલા વ્યવહારોની પણ તપાસ કરી રહી છે.તપાસ એજન્સીઓએ આરોપ મૂક્યો છે કે ડીએચએફએલ વાધવાન બંધુઓને યસ બેંકમાંથી લોન આપવાના બદલામાં કપૂરના પરિવારને મોટી રકમની લાંચ મળી હતી.

મની લોન્ડરિંગ એટલે શું?

સરળ શબ્દોમાં કહીએ તો મની લોન્ડરિંગ એટલે કે કાળા નાણાંને સફેદ(કાયદેસરના) બનાવવાની પ્રક્રિયા.મની લોન્ડરિંગ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા ગેરકાયદેસર આવકને કાયદેસર બનાવી દેખાડવામાં આવે છે.કાળા નાણાને કાયદેસર બનાવવાના અલગ અલગ અનેક પ્રકારો છે.દર વર્ષે સમગ્ર વિશ્વમાં અબજો રૂપિયના કાળા નાણાંને કાયદેસરના બનાવવામાં આવે છે.વિશ્વની સરકારો માટે આ એક ચિંતાનો વિષય છે.વિશ્વની સરકારો મની લોન્ડરિંગ કરતા લોકોને શોધીને તેમને સજા કરવા માટે અલગ અલગ તપાસ એજન્સીઓની રચના કરી છે.

ઇડીએ રાણા કપૂર, વાધવાનની ટાંચમાં લીધેલી મિલકતો

યસ બેંકના સહ સ્થાપક રાણા કપૂરની ટાંચમાં લેવાયેલી સંપત્તિમાં દિલ્હીમાં 685 કરોડ રૂપિયાનો બંગલો, દક્ષિણ મુંબઇમાં એસ સ્વતંત્ર રહેણાંક ઇમારત, મુંબઇમાં ત્રણ ડુપ્લેક્સ ફલેટ,મુંબઇના નારીમાન પોઇન્ટમાં એક રેસિડેન્શિયલ ફલેટ,મુંબઇના વરલીબાં આઠ ફલેટનો સમાવેશ થાય છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.

વાધવાન બંધુઓની 1411 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં

ઇડીએ ડીએચએફએલના પ્રમોટર વાધવાન બંધુઓની પણ 1411 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે.જેમાં મુંબઇના ખાર(પશ્ચિમ)માં 12 ફલેટ,ન્યૂયોર્કમાં એક ફલેટ અને લંડનમાં બે ફલેટ,.પુણેમાં જમીન,ઓસ્ટ્રેલિયામાં કોમર્શિયલ પ્રોપર્ટી,પાંચ વૈભવી વાહનો અને 344 બેંક ખાતાઓનોે સમાવેશ થાય છે.

Share Now