તાપી જિલ્લામાં એક જ દિવસમાં નવા ૯ કેસ કોરોના પોઝિટિવનો આંકડો ૪૬ પહોંચી ગયો

290

વ્યારા – તાપી જિલ્લામાં વ્યારામાં ૩ તથા ઉચ્છલના ગવાણ ગામમાં ૫ કોરોના પોઝિટિવ કેસ સાથે ગુરુવારે ૯ કેસ બહાર આવતા જિલ્લામાં કોરોના કેસની સંખ્યા ૪૬ થઇ ચૂકી છે. ઉચ્છલમાં એક જ ગામમાંથી પાંચ-પાંચ યુવાનો સંક્રમિત બન્યા હોવાથી ગભરાટનો માહોલ વ્યાપી ચૂક્યો છે.

તાપી જિલ્લામાં કોરોના ધીમે ધીમે વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. વ્યારાના મરાઠા સ્ટ્રીટના શિક્ષક એવા ૫૪ વર્ષીય સલીમખાનને ગત્ તા.૩૦-૨-૨૦ ના રોજ શરદી,ખાંસી, તાવની તકલીફ શરૂ થઇ હતી.સ્થાનિક સારવાર જેઓએ લીધી હતી.પરંતુ લક્ષણોમાં કોઇ સુધારો ન જણાતા તા.૮-૭-૨૦ ના રોજ વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચતા જેઓના કોવિડ-૧૯ ની ચકાસણી માટે સેમ્પલ લેવામાં આવતા ગુરુવારે જેમનો કોવિડ-૧૯ પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વ્યારાના રામકબીર નગર સ્ટેશન રોડના રહીશ ૬૧ વર્ષીય અશોકભાઇ દેસાઇને ગત્ તા.૬-૭-૨૦ ના રોજ તાવ,શરદી,ખાંસી તથા અશકિત જેવા લક્ષણો તેમના શરીરમાં જોવા મળતા જેઓ તા.૮-૭-૨૦ ના રોજ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે તપાસ અર્થે ગયા હતા જ્યાં તેમનું સેમ્પલ લેવામાં આવતા જેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.નગરના ગણેશ નગરના ૩૦ વર્ષીય યુવાન હાર્દિક ચૌધરીનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ઉચ્છલ તાલુકાના ગવાણ ગામમાં ૨૦ વર્ષીય વિલિયમ વસાવા, ૧૭ વર્ષીય દિનેશ વસાવા, ૧૯ વર્ષીય વિલાસ વસાવા, ૧૬ વર્ષીય પ્રતિક વસાવા, ૧૯ વર્ષીય રોહિત વસાવાના રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા ગવાણ ગામના રહીશોમાં કોરોના મુદ્દે ફડફડાટ વ્યાપી ગયો છે.ગવાણ ગામમાં આરોગ્ય વિભાગની ટીમ દ્ધારા પાંચેય યુવાનોને સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં લઇ જવાની કાર્યવાહી કરી હતી. જિલ્લામાં આજરોજ એકીસાથે ૯ નવા કેસ મળી આવતા તેમજ કોરોનાનો વ્યાપ ગ્રામ્ય વિસ્તારમાં પણ થઇ ચૂક્યાની જાણ થતા જ ગામડાંઓમાં પણ ગભરાટ વ્યાપી ચૂક્યો છે.જિલ્લાના ગ્રામીણ વિસ્તારો પણ કોરોના મુદ્દે એલર્ટ બની સાવચેતીનો અભિગમ અપનાવે તે જરૂરી છે.તાપી જિલ્લામાં કોરોના કુલ કેસ ૪૬ થઇ ચૂક્યા છે.બીજીતરફ સંક્રમિત કેસો જે સ્થળો ઉપરથી મળી આવ્યા છે ત્યાં આરોગ્ય વિભાગ દ્ધારા સરવે સહિતની કામગીરી હાથ ધરી છે.

Share Now