ચીન પાસેથી લાંચ લઈ રહ્યા છે નેપાળના PM ઓલી, સ્વિસ એકાઉન્ટમાં રૂ. 41 કરોડ જમા

279

કાઠમંડુ, તા. 14 જુલાઈ 2020, મંગળવાર

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી પર ચીન પાસેથી કરોડો રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે.એક અહેવાલ પ્રમાણે ચીનની સરકાર નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીને અનેક મિલિયન ડોલર્સની લાંચ આપી રહી છે.ઓલીના જીનેવા ખાતેના બેકં એકાઉન્ટમાં 41.34 કરોડ રૂપિયા જમા છે. ચીન આ રીતે જ નેપાળની સરકારને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરી રહ્યું છે.

ચીન પોતાની પાડોશમાં રહેલા ગરીબ અર્થતંત્ર ધરાવતા દેશોના ભ્રષ્ટ નેતાઓને પોતાના સાથે ભેળવીને ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે.ગ્લોબલ વોચ એનાલિસીસના વર્તમાન અહેવાલ પ્રમાણે ચીને નેપાળમાં કેપી શર્મા ઓલીના માધ્યમથી પોતાનો રસ્તો બનાવ્યો છે.અહેવાલ પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઓલીની સંપત્તિમાં અનેક ગણો વધારો થયો છે.

ઓલીએ અનેક બાહ્ય દેશમાં પણ સંપત્તિઓ ખરીદેલી છે.તેના બદલામાં ઓલીએ ચીનને નેપાળમાં પોતાનો બિઝનેસ પ્લાન લાગુ કરવામાં મદદ કરી છે.આ પ્લાનમાં નેપાળમાં ચીનની રાજદૂત હોઉ યાંક્વી પણ મદદ કરી રહી છે.અહેવાલ પ્રમાણે નેપાળના પીએમ ઓલીનું સ્વિત્ઝરલેન્ડના જીનેવા ખાતે આવેલી મિરબોડ બેંકમાં પણ એકાઉન્ટ છે અને તે ખાતામાં આશરે 41.34 કરોડ રૂપિયા જમા છે.ઓલીએ બેંકમાં તે રકમ લોંગ ટર્મ ડિપોઝિટ અને શેર તરીકે જમા કરાવેલી છે.

આ એકાઉન્ટમાં પૈસા જમા રાખવાના કારણે ઓલી અને તેમના પત્ની રાધિકા શાક્યને દર વર્ષે આશરે બે કરોડ રૂપિયાનો ફાયદો પણ થઈ રહ્યો છે.ગ્લોબલ વોચ એનાલિસીસના અહેવાલ પ્રમાણે ઓલીએ 2015-16ના વર્ષમાં પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન પણ કંબોડિયાના ટેલિફોન સેક્ટરમાં ઘણા રૂપિયાનું રોકાણ કરેલું.

તે સમયે નેપાળમાં ચીનના રાજદૂત વૂ ચુન્ટાઈએ ઓલીની ઘણી મદદ કરી હતી.ઓલીના નજીક ગણાતા બિઝનેસમેન અંગ શેરિંગ શેરપાએ તે સોદો કરાવ્યો હતો. આ સોદામાં કંબોડિયાના વડાપ્રધાન હૂં સેન અને ચીનના રાજદ્વારી બો જિયાંગેઓ પણ સામેલ હતા.ઓલીએ સરકાર અને આંતરરાષ્ટ્રીય નિયમોને કિનારે મુકીને ડિસેમ્બર 2018માં ચીનની કંપની હ્યુવેઈને ડિજિટલ એક્શન રૂમ બનાવવાની ડીલ આપી હતી.ત્યાર બાદ મે 2019માં નેપાળ ટેલિકોમ્યુનિકેશન એ હોંગકોંગની ચીની કંપની સાથે રેડિયો એક્સેસ નેટવર્ક તૈયાર કરવાની ડીલ કરી હતી.

આ વર્ષે ચીનની કંપની જેટીઈ સાથે 4જી નેટવર્ક લગાવવાનો સોદો પણ થયો હતો.આ બંને પ્રોજેક્ટ આશરે 1,107 કરોડ રૂપિયાના ખર્ચે પૂરા કરવામાં આવશે. ઓલી દ્વારા આ કંપનીઓને કામ આપવાની પદ્ધતિઓનો નેપાળ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણો વિરોધ થયો હતો.આટલું જ નહીં,નેપાળે ચીન પાસેથી 621 કરોડ રૂપિયામાં કોરોના માટે પીપીઈ કીટ અને ટેસ્ટિંગ યંત્ર પણ ખરીદ્યા હતા જેમાં મોટા ભાગની વસ્તુઓ ખરાબ હતી.સાથે જ તેમની કિંમતો પણ ઘણી વધારે હતી.તેને લઈ નેપાળના વિદ્યાર્થીઓએ ભારે મોટું પ્રદર્શન કર્યું હતું.આ મામલે નેપાળના હેલ્થ મિનિસ્ટર અને ઓલીના અંગત લોકોની તપાસ ચાલી રહી છે.

Share Now