
દેશની રાજધાની દિલ્હીના જીબી રોડ વિસ્તારમાં મોટી સંખ્યામાં મહિલા સેક્સ વર્કર્સ રહે છે.કોરોના વાયરસ અને ત્યારબાદ લાગેલા લોકડાઉનના કારણે તેમના પર આફત આવી પડી રહી છે. જીબી રોડના વિસ્તારમાં આશરે 3000 સેક્સ વર્કર્સ રહે છે.તેમની સામે રોજગારની સમસ્યા ઊભી થઈ ગઈ છે.આ અંગે એક સેક્સ વર્કરનું કહેવું છે કે,તે 15 વર્ષથી સેક્સ વર્કર તરીકે કામ કરી રહી છે.તે જણાવે છે કે,અમે અમારી મરજીથી અહીં નહોતા આવ્યા,અમને અહીં બીજી કોઈ વ્યક્તિ લઈને આવી હતી.અમારા માતા-પિતાને આના વિશે નથી ખબર.અમને અનાજ વગેરે તો મળી જાય છે,આ ઉપરાંત પણ શાકભાજી,ગેસ જેવો સામાન વપરાય છે.આ ઉપરાંત, ઘરે પણ કંઈક મોકલવાનું હોય છે.
ઘરમાં આવકનું કોઈ સાધન નથી.પિતા પહેલા વોચમેન હતા,પરંતુ હવે ઘરે જ રહે છે.હું જે મોકલું છું તેમનું ગુજરાન તેના પર જ ચાલે છે.અમે અન્ય કામ શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ અહીંના આધારકાર્ડને કારણે અમને કોઈ કામ નથી આપતું.જ્યારે પણ ટિકિટ લેવા માટે પણ જઈએ છીએ,ત્યારે લોકો અમને અલગ નજરથી જુએ છે.હવે હું ઘરે પાછી જવા અંગે વિચાર કરી રહી છું.અહીં કેટલી કમાણી થશે તે કસ્ટમર પર નિર્ભર કરે છે.ક્યારેક બે તો ક્યારેક ચાર કસ્ટમર્સ આવે છે.ક્યારેક એવું પણ બને કે એક પણ કસ્ટમર ના આવે. જો કોઈ ઓળખીતું જુનું કસ્ટમર હોય તો તેમની પાસે પૈસા માંગી લઈએ છીએ.
અન્ય એક સેક્સ વર્કરે પોતાની સમસ્યા જણાવતા કહ્યું હતું કે,તે 8 વર્ષથી જીબી રોડ વિસ્તારમાં સેક્સ વર્કર છે.તે જણાવે છે કે,નાની ઉંમરમાં અમારી પાસે એટલી વિચારશક્તિ પણ નહોતી.એક મહિલા હતી જે મને અહીં વેચીને જતી રહી હતી.કોરોના બાદ અમારું જીવન ખૂબ મુશ્કેલ બની ગયું છે.અમે ઘરે પૈસા કઈ રીતે મોકલીશું.હું પહેલા મહિનામાં 15થી 20 હજાર રૂપિયાની કમાણી કરતી હતી.અમે ઓળખીતા કસ્ટમર્સને ફોન કરીએ છીએ,જે અઠવાડિયામાં 3-4વાર આવતા હતા અને મળીને જતા હતા.પરંતુ હવે પોલીસ હેરાન કરે છે.તેઓ દંડા મારે છે.તેઓ અનાજ-કરિયાણું આપવા માટે આવે તો પણ પોલીસ તેમને હેરાન કરે છે.મારું ઘર પુણેમાં છે, ત્યાં પણ હાલ પરિસ્થિતિ ખરાબ છે.જેવી ટ્રેન સેવા શરૂ થશે કે હું મારા ઘરે મારા બાળકો સાથે રહેવા માટે જતી રહીશ.