BJP પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલે કેશુબાપાને મળીને આશિર્વાદ લીધા

389

તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનારા ભાજપના સાંસદ સી.આર.પાટીલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલના આશિર્વાદ લીધા હતા,જેના ફોટો સી.આર.પાટીલે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.ઉલ્લેખનીય છે કે,જીતુ વાઘાણીનો પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યકાળ પૂરો થતા ભાજપે સી.આર.પાટીલને ગુજરાત ભાજપની જવાબદારી સોંપી હતી.

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે પહેલા જ ભાષણમાં પાર્ટીના વિરોધીઓ માટે જુઓ શું કહ્યું

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોતાના પહેલા જ ભાષણમાં તેઓ કેવી રીતે કામ કરવાના છે તેનો સ્પષ્ટ અણસાર આપી દીધો છે.તેમણે વિરોધીઓને કહ્યું કે તેઓ ગમા-અણગમા નહી રાખે પરંતુ શિસ્ત ભંગ કરનાર સામે પગલા લેતા પણ નહીં ખચકાય.તેઓ ટ્રેનિંગથી પોલીસ રહી ચૂક્યા છે અને સંઘના કાર્યકર પણ. ઉપરાંત તેમણે પદ મેળવવા માટે જ પાર્ટીમાં કામ કરનારાઓને કહ્યું કે તમે સક્ષમ છો એટલે પદ મળે તેવું જરૂરી નથી.આ ઉપરાંત પાર્ટીના કાર્યકરોએ ટેક્નોસેવી થવું જરૂરી છે અને સરકારી કાર્યક્રમોનો લાભ લોકોને અપાવવા પણ કાર્યકરોએ લાગી જવું પડશે.

ઉલ્લેખનીય છે કે જે લોકો સી.આર.પાટીલને નજીકથી જાણે છે તેઓ કહે છે કે તેમના માટે ક્યાં તો લોકો તેમની સાથે છે અને સામે છે.વચ્ચેનો કોઇ રસ્તો હોતો નથી.એટલે પાર્ટીમાં તેમના વિરોધીઓએ હાલ પૂરતું તો ચુપચાપ બેસી જવા સિવાય કોઇ ઉપાય નથી.તેમના સમયમાં વિરોધીઓ ફાવે તેવી કોઇ શક્યતા નથી કારણ કે તેઓ ઉપરથી મેન્ડેટ લઇને આવેલા છે.એટલે પાર્ટી હોય કે સરકાર હોય કે પછી અધિકારીઓ.તેવા તમામ લોકો સાથે આ રીતે જ કામ લેવાની સી.આર.ભાઇની રીત છે.

જો વિગતે તેમના ભાષણનું એનાલિસિસ કરીએ તો નવસારી લોકસભાના સાંસદ સી.આર.પાટીલે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષપદે વિધિવત ચાર્જ લીધો.આ અવસરે પાટીલે પોતાની આગવી અદામાં સીધો સંદેશ આપ્યો હતો કે,હું મનુષ્ય જ છુ અને દરેકના પોતપોતાના ગણા અણગમા હોય છે પરંતુ હું તમામને વિશ્વાસ અપાવું છું કે મારા ગમા અણગમાને પાર્ટીના પ્લેટફોર્મ પર રિફ્લેક્ટ ન થવા દઈશ. ભાજપના હીતમાં જે કોઈ કાર્ય કરવા પડે તે હું કરવા આપને વિશ્વાસ અપાવુ છું.સાથોસાથ તેમણે એમ પણ કહ્યું કે પાર્ટીના અહિતની વાત જ્યાં થતી હશે ત્યાં પગલા લેતા પણ અચકાઈશ નહીં.હું એટલો વિશ્વાસ અપાવું છું કે મારા પ્રયાસ પ્રમાણિક હશે અને આપ તમામે મારા પર મુકેલા વિશ્વાસ, અપેક્ષા પર હું ખરો ઉતરીશ એવી મને આશા છે.આપ બધાનો સાથ અને સહકાર તે માટે જરૂરી છે અને તે તમને જરૂર આપશો એવો મને વિશ્વાસ છે.

સી.આર.પાટીલે કહ્યું કે, હું 15 વર્ષ પોલીસ ફોર્સમાં રહ્યો છું એટલે શિસ્તમાં રહેવાની મને ટેવ છે અને સંઘમાં પણ તેનો આગ્રહ રાખી શીખ અપાય છે કે.તેમણે એમ પણ કહ્યું કે તમે સક્ષમ છો અને એટલે તમને કોઈ પદ મળે તેવો આગ્રહ ન રાખો પણ તમે તે જવાબદારી નિભાવી શકો તેવા સક્ષમ બનો.પદ માટે આપણે ત્યાં (ભાજપ)માં લાઈન લાગતી નથી.ફોર્મ ભરવા લાઈન લગાવતા નથી.

સી.આર.પાટીલે કહ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક ઉચ્ચ ગુજરાત મોડલ સેટ કર્યું હતું અને તેના આધારે જ ભવ્ય વિજય સાથે બે વાર દિલ્હીમાં આપણી સરકાર બની અને હજી પણ તે ક્રમ યથાવત છે.દેશની નજર આજે પણ ગુજરાત પર હોય છે અને અનેક પગલાઓમાં ગુજરાતની કોપી તેઓ કરે છે.વધુ ગુજરાતના સંગઠન, શક્તિ અને તેની કાર્ય પ્રમાણી દેશભરમાં પ્રચાર-પ્રસાર થાય અને આપણે વધુ છવાય જઈએ તેવો પ્રયાસ કરાશે.મેં બિહાર,મધ્યપ્રદેશ, કર્ણાટક,બનારસ ઘણી જગ્યાએ કામ કર્યું.લોકો કહેતા કે આટલા લાખ રૂપિયા ખર્ચવા પડશે પરંતુ મેં કામ શરૂ કર્યું અને ભાજપના કાર્યકરે એક પણ રૂપિયો માંગ્યા વિના કામ કર્યું.આપણે ઉચ્ચાલન નિયમને અપનાવી ઓછી મહેનતથી,વધુ ટેક્નોલોજીથી પાર્ટીને વધુ સદ્ધર બનાવવાની કોશિશ કરીશું.

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક અંગ્રેજ લેખકના 197 મુદ્દાના પુસ્તકનો ઉલ્લેખ કરતા કહ્યું કે એ લેખકે દાવો કર્યો છે કે આ 197 મુદ્દા પર ચાલો તો કોઈની પણ સરકાર ઉઠલાવી શકાય છે અને મને લાગે છે કે કોંગ્રેસ એ દિશામાં જ ચાલે છે.શાહીનબાગ જેવા આંદોલન,રાહુલ ગાંધી સહિતના નેતાના નિવેદનોથી એવુ નથી કે આપણને નુકસાન નથી થતુ.તેનાથી જરૂર લોકોમાં ભાવના પેદા થાય છે કે સરકાર કંઈ નથી કરતી પણ આપણે 197 મુદ્દાનો ઉલ્ટો પ્રયોગ કરીને સરકાર ન ઉથલે અને લોકોના દિલમાં વધુ સ્થાન પ્રાપ્ત કરીએ તેના પર પણ કાર્ય કરીશું. હું આ તમામ મુદ્દા આપણની સાથે શેર કરીશ.કોંગ્રેસના અસ્તિત્વનો જ સવાલ છે ત્યારે તેને હવે ફાવવા નહીં દઈશું.બીજુ કે કેન્દ્ર સરકારની કુલ 400 યોજનાઓ છે જે પૈકી 60 એવી યોજના છે કે જેમાં એક પણ રૂપિયા ખર્ચ કર્યા વિના આપણા કાર્યકરો પ્રજાનું કામ કરી શકે છે તેના પર ભાર મુકી લોકોના દિલમાં સ્થાન જમાવાનું કામ કરાશે.

Share Now