નવી દિલ્હી: દેશમાં કેન્દ્ર અને રાજય સરકાર માટે જે રીતે પેટ્રોલ-ડીઝલ એ ‘કમાણી’નું નવું સાધન બની ગયુ છે અને કેન્દ્ર, સ્પે. એકસાઈઝ ડયુટી- સેસના નામે તો રાજય સરકાર વેટ અને એડીશ્નલ વેટના નામે પેટ્રોલ-ડીઝલ પરનો કરબોજ વધારીને તે મોંઘુ બનાવી રહ્યા છે તથા જીએસટીમાં પણ ચાલાકીપુર્વક ઈંધણને નહી સમાવીને પ્રજા પાસેથી લુંટનો પરવાનો મેળવી લીધો છે.
તેની સામે આખરે પંજાબ અને હરિયાણાની ટ્રાન્સપોર્ટ કંપનીઓએ હાઈકોર્ટમાં ધા નાખી શા માટે કેન્દ્ર અને રાજય સરકારે પેટ્રોલ-ડીઝલ સહીતના ઈંધણોને જીએસટી હેઠળ આવતી નથી અને સતત ટેક્ષ વધારવામાં આવી તેને પડકારવામાં આવ્યો છે.હાઈકોર્ટ આ અરજી પરથી કેન્દ્ર અને રાજય સરકાર ઉપરાંત જીએસટી કાઉન્સીલ અને ઓઈલ કંપનીઓને નોટીસ પાઠવીને તા.13 ઓગષ્ટ સુધીમાં જવાબ રજુ કરવા માટે જણાવ્યુ છે. આ અરજીમાં કેન્દ્રે જે રીતે તા.13 માર્ચના પેટ્રોલ-ડીઝલ પર રૂા.2 પ્રતિ લીટર સ્પે.એડીશ્નલ એકસાઈઝ ડયુટી લાદીને જાહેરનામાને પડકારવામાં આવ્યું છે.તે ઉપરાંત જે રીતે પંજાબ સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પરના વેટ વધાર્યા તેને પણ પડકારી ક્રુડતેલ તથા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચેની સરકારના ટેક્ષ વિ.નો હવાલો આપી કોઈ એક ફોર્મ્યુલા મુજબ ભાવ નિશ્ર્ચિત થાય તે જોવા માંગ કરી છે.