સુરત, તા. 25 જુલાઇ : કોરોનાના કહેર વચ્ચે વાયરસથી સક્રમીત અત્યંત ગંભીર દર્દીઓ માટે આર્શીવાદ રૂપ રેમડેસીવીર અને ટોસીલીઝુમેબ નામના ઇન્જેક્શનના કાળાબજારના વધુ એક રેકેટનો પર્દાફાશ કરતા ફુડ એન્ડ ડ્રગ વિભાગે સુરતમાંથી રૂા. 4.65 લાખની કિંમતના અને અમદાવાદમાં દરોડા પાડી રૂા. 10.80 લાખની કિંમતના ઇન્જેક્શનનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પ્રાથમિક તપાસમાં ત્રણથી ચાર ગણા ભાવે વેચાય રહેલા ઇન્જેક્શનનો જથ્થો બાંગ્લાદેશથી આવ્યો હોવાનું બહાર આવતા સમગ્ર રેકેટ આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોવાનું બહાર આવ્યું છે.
એક તરફ કોરોના કહેર મચાવી રહ્યો છે તેવા સંજોગોમાં આર્થિક લાભ હેતુથી કાળાબજારીઓ મેદાનમાં આવી ગયા છે અને અત્યંત ગંભીર હાલતના દર્દીઓ માટેના ઇન્જેક્શનના કાળાબજારનું રેકેટ બહાર આવ્યું છે.
ફુડ એન્ડ ડ્રગ વિભાગને બાતમી મળી હતી કે અમદાવાદનો મેડીકલ રીપ્રેઝન્ટેટીવ સુરતના એક યુવાન સાથે મળી ઇન્જેક્શનના કાળા બજાર કરી રહ્યો છે.જેના આધારે અમદાવાદ અને સુરત ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે એબોટ ઇન્ડિયા લિ. નામની કંપનીમાં મેડીકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે નોકરી કરતા સંદીપ માથુકીયા (રહે. ઇન્દ્રપ્રસ્થ ટાવર, વાપુર, અમદાવાદ) ને ઇન્જેક્શન માટે બોગસ ઓર્ડર આપી છટકું ગોઠવ્યું હતું. જે અંતર્ગત સુરત ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે યશ રાજેશભાઈ માથુકીયા
(રહે. ઘર નં. 5 પ્રગતિ પાર્ક સોસાયટી,ડભોલી ચાર રસ્તા, કતારગામ) ને કતારગામ નીરૂ ફાર્મ પાસેથી રેમડેસીવીર ઇન્જેક્શનની 2 વાયલ સાથે ઝડપી પાડી તેના ઘરે દરોડા પાડયા હતા. જયાંથી રેમીડીસીવીર 100 એમ.જીના 15, ટોસિલીઝુમેબ 400 એમ.જીના 3 મળી કુલ રૂા. 4.65 લાખના ઇન્જેક્શન કબ્જે લીધા હતા.
બિલ વગર ત્રણથી ચાર ગણા ભાવે ઇન્જેક્શનનો વેપલો કરનાર યશની પુછપરછમાં સંદીપ માથુકીયા માસ્ટર માઇન્ડ હોવાનું અને બહાર આવ્યું હતું. જેથી ગાંધીનગર અને અમદાવાદ ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે અમદાવાદ વેજલપુરના મકરબા વિસ્તારના સિધ્ધી વિનાયક ટાવરમાં મે. નિલકંઠ એલિક્ઝિરમાં દરોડા પાડી 99 રેમેડેસીવીર ઇન્જેક્શનનો રૂા. 10.8 લાખની કિંમતનો જથ્થો ઝડપી પાડયો હતો.
માસ્ટર માઇન્ડ સંદીપ માથુકિયા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ
કોરાનાના અત્યંત ગંભીર દર્દીઓ માટે આર્શીવાદ રૂપ ઇન્જેક્શનના કાળા બજાર કરનાર સંદીપ માથુકીયા મેડીકલ રીપ્રેઝન્ટેટીવ છે. સંદીપ સુરતના યશ રાજેશ માથુકીયા સાથે મળી સમગ્ર રેકેટ ચલાવતો હતો અને ઇન્જેક્શન ત્રણથી ચાર ગણા ભાવે વેચાણ કરતા હતા. ઇન્જેકશનના કાળા બજારના માસ્ટર માઇન્ડ સંદીપ સાથે મે.નિલકંઠ એલિક્ઝિર એલએલપીના ભાગીદાર દર્શન એસ.સોની અને પાર્થ બાબુલાલ ગોયાણીની પણ સંડોવણી હોવાનું અને તેઓ સંદીપ સાથે કાળા બજારમાં ભાગીદાર હોવાનું પર્દાફાશ થયો છે.
રેમડેસીવીર અને ટોસિલિજુમાબ ઇન્જેક્શનના કાળબજારનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું રેકેટ
સુરત, અમદાવાદ અને ગાંધીનગર ફુડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે સુરત તથા અમદાવાદમાં અલગ-અલગ સ્થળે દરોડા પાડી જે રેમડેસીવીર અને ટોસિલીઝુમેબ ઇન્જેક્શન કબ્જે લીધા છે. તેના પર લેબલ બાંગ્લાદેશનું હોવાનું અને ત્યાં ઉત્પાદિત થતા હોવાનું જણાય આવ્યું હતું. જેથી આ અંગે તપાસ કરતા રેમડેસીવીર ઇન્જેક્શન બાંગ્લાદેશનો શબ્બીર અહેમદ નામની વ્યક્તિ ગેરકાયદેસર રીતે અગરતલા સુધી મોકલાવતો હતો અને સંદીપ માથુકીયા અગરતલા જઈને ઇન્જેક્શન અમદાવાદ લઇ આવતો હતો. ત્યાર બાદ યશ માથુકીયા, પાર્થ ગોપાણી, દર્શન સોની સાથે મળી રાજ્યભરમાં ત્રણથી ચાર ગણા ભાવે ઇન્જેક્શન વેચાણ કરતા હતા.
કાળાબજારનો સમગ્ર વહીવટ રોક્ડેથી કરતા હતા
વાયરસ સક્રમીત દર્દીઓ માટેના આર્શીવાદ રૂપ ઇન્જેક્શનના કાળા બજાર કરતા ઝડપાયેલા સંદીપ માથુકીયા, યશ માથુકીયા, પાર્થ ગોપાણી અને દર્શન સોની ઇન્જેક્શન ખરીદી કરવાથી લઇ વેચાણ કરવાના તમામ ટ્રાન્ઝેક્શન રોકડેથી કરતા હતા. ઓનલાઇન પેમેન્ટ કે બેંક દ્વારા એક પણ પેમેન્ટ કરતા ન હતા જેથી કોઇને પણ શંકા જતી ન હતી. હાલમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગે કાળાબજાર કરનારની ટોળકીએ અત્યાર સુધી કેટલા ઇન્જેક્શન કોને-કોને વેચ્યા છે તે અંગેની તપાસ હાથ ધરી છે.