GPCBના અધિકારીએ મિત્રના બેન્ક લૉકરમાં મૂકેલા લાખો રૂપિયાના દાગીના ગાયબ

303

બારડોલી : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી અને તેમની પત્નીએ મઢી ખાતે રહેતા તેમના ખાસ મિત્રના બેન્ક લૉકરમાં સોનાનાના દાગીના મૂક્યા હતા. જ્યારે આ દાગીના ફરી માંગ્યા ત્યારે મિત્ર અને તેની પત્નીએ દાગીના આપવામાં ગલ્લાતલ્લા કર્યા બાદ લાંબો સમય સુધી લાખો રૂપિયાના દાગીના પરત કર્યા ન હતા. આથી છેવટે જીપીસીબીના અધિકારીની પત્નીએ દંપતી વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં લેખિતમાં ફરિયાદ કરી છે.છેતરપિંડી કરનાર દંપતી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બનાવની હકીકત એવી છે કે મૂળ બારડોલી તાલુકાનાં ભેંસુદલાના અને હાલ વડોદરાના સુભાનપૂરા વિસ્તારમાં મીત બંગલોમાં રહેતા નયનાબેન ઈશ્વરભાઈ ચૌધરીના પતિ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે.પતિની વારંવાર બદલી થતી રહેતી હોય તેમની પાસેના કીમતી સોનાના દાગીના સાથે લઈ જઇ શકે તેમ ન હોવાથી લૉકરમાં રખવાનું નક્કી કર્યું હતું.આથી તેમણે પોતાના ખાસ મિત્ર બારડોલીના મઢી ખાતે આવેલ સાઈ રત્ન રો હાઉસમાં રહેતા અને બારડોલી તાલુકા ભાજપ મંત્રી નિતિન લક્ષ્‍મણ ચૌધરી તેમજ તેમની પત્ની બારડોલી તાલુકા મહિલા મોરચા મંત્રી પાર્યા નિતિન ચૌધરીનો સંપર્ક કર્યો હતો. પરંતુ બારડોલી કે મઢીમાં આસાનીથી બેન્ક લૉકર મળી શક્યા ન હતા.આથી નીતિને બારડોલીની એચડીએફસી બેન્કમાં આવેલ તેના પોતાના લૉકરમાં દાગીના મૂકી દેવા જણાવ્યુ હતું.આથી ઈશ્વરભાઈ અને તેમની પત્ની નયનાબેને તેમના પર વિશ્વાસ મૂકી દાગીના તેમના લૉકરમાં મૂકી દીધા હતા.લાખો રૂપિયાના દાગીના પૈકી 2017 માં નયનાબેનની પિતરાઇ બહેનના લગ્ન હોય થોડા દાગીના લૉકરમાંથી લઈ લીધા હતા.ત્યારબાદ થોડા સમય પછી બાકીના દાગીના પણ તેમણે પરત માંગ્યા હતા. પરંતુ લૉકરની ચાવી ખોવાય ગઈ હોવાનું બહાનું કાઢ્યું હતું.વારંવાર માંગણી છતાં દાગીના પરત ન કર્યા બાદ બંનેએ દાગીના પર લોન લીધી હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ ભાજપના આગેવાનો સાથે બેસી સમાધાન કરવાના પ્રયાસ બાદ ગત 23મી જૂન 2020 રોજ ઈશ્વરભાઈ અને તેમના પત્ની નયનાબેન નિતિન ચૌધરીના ઘરે ગયા હતા.જ્યાં નીતિને તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી દાગીના પરત કરવાની ના પાડી દીધી હતી. અને અમારી સરકાર ચાલે છે પોલીસ પણ અમારું કઈ બગાડી લેવાની નથી એવી ધમકી આપી ઘરમાંથી કાઢી મૂક્યા હતા.દરમ્યાન નયનાબેન દ્વારા આ મામલે નિતિન ચૌધરી અને તેની પત્ની પાર્યા વિરુદ્ધ બારડોલી પોલીસમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

Share Now