હવે 14 દિવસમાં ખોલી શકાશે કન્ટેનમેન્ટ ઝોન: કેન્દ્રનો નિર્ણય

273

નવી દિલ્હી: કોરોના સંક્રમણને પગલે દેશના અલગ અલગ વિસ્તારોમાં આવેલા કન્ટેનમેન્ટ ઝોનનો લઈને હવે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે.હવે આ ઝોનમાં એક પણ કેસ નહીં હોય તો બે સપ્તાહમાં ખૂલી જશે.કેજરીવાલ સરકારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Mohfw) પાસે માંગ કરી હતી કે,કન્ટેનમેન્ટ ઝોનના નિયમોમાં વધુ છૂટછાટ આપવામાં આવે. પહેલા એવો નિયમ હતો કે કન્ટેનમેન્ટ ઝોનમાં છેલ્લો દર્દી સાજો થયાના 28 દિવસ પછી એ વિસ્તારને ખોલવામાં આવે પણ હવે સમયમર્યાદા ઘટાડીને 14 દિવસની કરી દેવામાં આવી છે

દિલ્હી સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ માહીતી જાહેર કરાયા પછી જે વિસ્તારોમાં લોકો લાંબા સમયથી કન્ટેનમેન્ટ ઝોનમાં કેદ છે એ લોકોને મોટી રાહત મળશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અનેક વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં પૂર્ણ લોકડાઉનને પગલે 3 મહિનાથી બંધ હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ જાહેર કર્યા છે,જેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક રાજ્યોમાં કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનમાં નવા નવા કેસ આવતા રહે છે આ કારણે આ વિસ્તારો મહિનાઓ સુધી લોકડાઉનમાં રહે છે.આ મામલે કન્ટેનમેન્ટ ઝોનને 28 દિવસ વધુ લંબાવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ઘણા રાજ્યોએ આ નિયમમાં ફેરફાર કરવા સૂચન કર્યું હતું.

કેન્દ્રના નિર્ણય પછી દિલ્હીની કેજરીવાલ સરકારે આ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે,દિલ્હી એવું પ્રથમ રાજ્ય હતું જેને કેન્દ્રને આગ્રહ કર્યો કે,તે કન્ટેનમેન્ટ ઝોનને સીલ કરવાની સમયમર્યાદામાં ઘટાડો કરે.દિલ્હીમાં નવા દિશાનિર્દેશોનું કડક રીતે અમલ કરવામાં આવશે.હાઈરિસ્ક ગ્રુપ અને સંક્રમિત વ્યક્તિઓનું કોન્ટેક્ટ ટ્રેસિંગ ચાલુ રહેશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે જે રાજ્યોમાં લાંબા સમયથી કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલા વિસ્તારોમાં હવે છેલ્લો કેસ સાજો થઈ ગયાના 14 દિવસની અંદર તે વિસ્તારને પ્રતિબંધિત વિસ્તારની યાદીમાં હટાવી શકાશે.

Share Now