અનલોક-3ની જાહેરાત પછી પાલિકાએ હીરાઉદ્યોગમાં પણ કેટલીક છુટછાટ આપવાની જાહેરાત કરી છે.એક ઘંટી પર બે કારીગરો બેસી શકશે અને હીરાબજારનો સમય બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.પણ ગાઇડ લાઇનનું પુરેપુરુ પાલન તો કરવું જ પડશે.સુરત ડાયમંડ એસોસિયેશનની માગણીને ધ્યાનમાં રાખીને પરવાનગી આપવામાં આવી છે.
સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ કથિરિયાએ જણાવ્યું હતું કે છેલ્લાં 4 મહિનાથી હીરાઉદ્યોગ સાવ બંધ જેવી સ્થિતિમાં જ છે.અનલોક-1થી ઉદ્યોગ શરૂ કરવાની કોશિશ કરવામાં આવી હતી,પરંતુ કોરોના પોઝિટિવના કેસ સતત વધતા રહેવાને કારણે વારંવાર બંધ કરવાની નોબત ઉભી થઇ હતી.આ બાબતે અમે ગુજરાતના મુખ્યમંત્રી, રાજય કક્ષાના આરોગ્યમંત્રી,ધારાસભ્યો અને સાંસદોને રજૂઆત પણ કરી હતી. ઉપરાંત પાલિકાને પણ રજૂઆત કરવામાં આવી હતી.અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને પાલિકા કમિશ્નર બંછાનિધી પાનીએ 1લી ઓગસ્ટથી કેટલીક છુટછાટ સાથે પરવાનગી આપી છે.જેમાં હવે પછી હીરાબજારનો સમય બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.મતલબ સાંજે 6 વાગ્યા પછી ઘર ભેગાં થઇ જવું પડશે.હીરાના કારખાનામાં એક ઘંટીએ બે કારીગરોને બેસવાની પરવાનગી આપવામાં આવી છે.દરેક યુનિટમાં રત્નકલાકારો અને સ્ટાફના રેપિડ ટેસ્ટ ફરિજયાત કરાવવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગ બંધ થવાને કારણે મોટાપાયે બેરોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે. કેટલાક રત્નકલાકારોએ આપઘાત કરવાના કિસ્સા પણ બન્યા છે. રત્નકલાકાર સંઘ તે માટે લડત પણ ચલાવી રહ્યું છે.જોકે,બીજી બાજુ ઘણા લોકો વતન સૌરાષ્ટ્ર જતા પણ રહ્યા છે.પરંતુ આગામી ક્રિસમસને લઇને દુનિયાભરમાં હીરાના માગ ઊભી થાય છે.એટલે હીરા ઉદ્યોગ જેટલો વહેલો શરૂ થાય એટલું નુકસાન ઓછું જશે.ધીરે ધીરે દુનિયાભરના બજારો ખુલવા લાગ્યા છે એટલે ડાયમન્ડની પણ માગ ઊભી થશે.આ સમયમાં હીરા ઉદ્યોગ શરૂ થઇ જાય તો બધાના ફાયદામાં છે.કારણ કે આપણે ત્યાં પણ તહેવારોની મોસમ શરૂ થઇ ગઇ છે અને લોકો પાસે પૈસા નથી.