સંસ્થા નહીં પણ પાર્ટીના હિત માટે લડવાની નીતિ સહકારી માળખાને લાંબા ગાળે નુકસાન પહોંચાડશે

294

– સમાધાન ફોર્મ્યુલા અપનાવી સુમુલમાં ભાજપના નેતાઓ ઉમેદવારોનો યુઝ એન્ડ થ્રો તરીકે ઉપયોગ કર્યો ? ઉમેદવારોને બલિના બકરા બનાવી પોતાનો રાજકીય રોટલો શેકી લીધો હોવાની ચર્ચાથી આવા નેતાઓ સામે લોકોમાં ભારે ફિટકાર

બારડોલી : સુમુલની ચૂંટણીમાં રાજ્યના બે મંત્રીઓએ પણ નવા વરાયેલા પ્રદેશ પ્રમુખની સામે નમતું જોખી સમાધાનની ભૂમિકા માટે રાજી થઈ જતાં કેટલાક ઉમેદવારોમાં ખચકાટ જોવા મળી રહ્યો છે. કેટલાક ઉમેદવારોને વર્તમાન ડિરેક્ટરોને સમર્થન આપવાનું દબાણ કરતાં હવે તેઓ ન ઘરના ન ઘટના જેવો અનુભવ કરી રહ્યા છે. પોતાની રાજકીય હુંસાતુંસીમાં ઉમેદવાર તરીકે આગળ કરનાર નેતાઓ જ હવે કેટલાક ઉમેદવારોને સ્પર્ધામાંથી નીકળી જવા માટે જણાવી રહ્યા હોય ત્યારે આવા નેતાની વિશ્વાસનિયતા સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.સમાધાન પ્રક્રિયા શરૂ થતાં હવે સુરત તાપી જિલ્લામાં રાજકીય લાભ ખાટવા માટે ભાજપના નેતાઓએ ઉમેદવારોનો માત્ર યુઝ એન્ડ થ્રોની જેમ ઉપયોગ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.રાજકીય પક્ષથી પર રહેલા અને સ્વચ્છ છબી ધરાવતા કેટલાક ઉમેદવારોને બલીનો બકરો બનાવી ભાજપના નેતાઓએ રાજકીય રોટલો શેકી લીધો હોવાની ચર્ચાને લઈ સુમુલના સભાસદોમાં પણ ભારે ફિટકાર વરસાવી રહ્યા છે.

સુરત અને તાપી જિલ્લાની મહત્વ પૂર્ણ સહકારી સંસ્થા ગણાતી સુમુલ ડેરીની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ રાજેશ પાઠકની સામે બે મંત્રીઓ ગણપત વસાવા અને ઈશ્વર પરમારના જૂથે રણશિંગુ ફૂંકયું હતું.શરૂઆતમાં ભારે ઉહાપોહ મચાવ્યા બાદ બંને જૂથોએ પેનલ જાહેર કરી દરેક બેઠક પરથી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 16 પૈકી 14 બેઠકો પર ચૂંટણી યોજવાની સાથે તમામ ઉમેદવારોને ચૂંટણી ચિન્હની પણ ફાળવણી કરી દેવામાં આવી હતી.પરંતુ હવે નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે પણ સુમુલના જંગમાં ઝંપલાવી પક્ષની છબી ન ખરડાય તે માટે સમાધાન ફોર્મ્યુલા અપનાવાની શરૂઆત કરી છે. જેમાં બંને જૂથના ઉમેદવારોનો સમાવેશ કરી ભાજપને બહુમતી મળે તે રીતે પાસા ગોઠવવાની તરકીબ રચાય રહી છે.આ સમાધાનની ફોર્મ્યુલા જોર શોરથી એક બીજાનો વિરોધ કરતાં પાઠક જુથ અને ગણપત જુથને માફક આવી જતાં હવે મામલો ખૂબ પેચીદો બની ગયો છે.જે ઉમેદવારો પાસે ઉમેદવારી કરાવી હતી તેઓ હવે પોતાને છેતરાયા હોવાનો અનુભવ કરી રહ્યા છે. નેતાઓએ ઉમેદવારોના ખભા શોધી પોતાનો એક્કો પાકો કરી લેતાનો ઉમેદવારોને હવે પક્ષ તરફથી કહેવામાં આવે તે ઉમેદવારને ટેકો જાહેર કરવાનું નક્કી થયું છે. જેને કારણે ભાજપના નેતાઓની યુઝ એન્ડ થ્રોની નીતિ ખુલ્લી પડી ગઈ છે.કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો પણ ભાજપના નેતાઓની કઠપૂતળી બની ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.ત્યારે આ ચૂંટણી પશુપાલકોના હિત માટે નહીં પરંતુ પાર્ટીના હિત માટે જ લડવાની નીતિ સહકારી માળખાને ભવિષ્યમાં મોટું નુકસાન પહોંચાડશે તેવી સંભાવના સેવાઇ રહી છે.

કોંગ્રેસ પણ બે જુથની લડાઈમાં છેતરાયાનો અનુભવ

બીજી તરફ કોંગ્રેસ એક જુથની વાતમાં આવી ગઈ પોતાના ઉમેદવારો તમામ બેઠકો પર ઊભા રાખવાની જગ્યાએ માત્ર 6 બેઠકો પર જ ઉમેદવારો ઊભા રાખ્યા છે. જેને કારણે કોંગ્રેસ પણ બે જુથની લડાઈમાં છેતરાયાનો અનુભવ કરી રહી છે.ત્યારે કોંગ્રેસે પણ ભાજપા સાથે સમાધાન કરી લીધું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હોત તો આજે સુમુલમાં કટોકટીના જંગની સાથે સાથે ભાજપમાં ચાલી રહેલ જુથવાદની લડાઈનો પણ સીધો ફાયદો થઈ શક્યો હોત.પરંતુ કોંગ્રેસના નેતાઓ પણ ભાજપના ખોળામાં બેસી જતાં આ શક્ય બની શક્યું નથી.

Share Now