1લી સપ્ટેમ્બરથી શિક્ષણ ક્ષેત્ર ‘અનલોક’ : તબક્કાવાર સ્કૂલ ખુલશે

358

નવી દિલ્હી,તા. 7 : માર્ચમાં કોરોના લોકડાઉન વખતથી બંધ શાળા-કોલેજો હજુ ખુલ્લી નથી પરંતુ 1લી સપ્ટેમ્બરથી તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.1લી સપ્ટેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખોલી નાખવામાં આવશે.

કોરોના મેનેજમેન્ટ કરતા પ્રધાનજૂથમાં સામેલ સચિવોના ગ્રુપે શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનું શિડ્યુલ તૈયાર કર્યું છે.માસાંતે નવા અનલોકની માર્ગદર્શિકા જાહેર થાય ત્યારે તેની જાહેરાત થઇ શકે છે.જો કે,શાળા કોલેજો ક્યારે અને કેવી રીતે ખોલવી તેનો નિર્ણય રાજ્યોનીસરકારો લઇ શકશે.

કેન્દ્ર સરકાર શાળા-કોલેજો ખોલવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરશે તેને તમામ રાજ્યોએ અનુસરવાનું રહેશે.ગત મહિને શિક્ષણ વિભાગ દ્વારા સર્વે કરાવાયો હતો. તેના આધારે 1લી સપ્ટેમ્બરથી શિક્ષણક્ષેત્ર ખોલવા નક્કી થયું છે.અને વિસ્તૃત માર્ગદર્શિકા નક્કી કરી છે.

શિક્ષણ વિભાગના સર્વેમાં એવું બહાર આવ્યું હતું કે કોરોનાની બીકને કારણે વાલીઓ હજુ સંતાનોને સ્કૂલે મોકલવાના પક્ષમાં નથી પરંતુ રાજ્યોએ એવી દલીલ કરી હતી કે નબળા વર્ગના બાળકોને વધુ નુકસાન થાય છે.આ ઉપરાંત જે રાજ્યોમાં કેસ-સંક્રમણ ઓછું થવા લાગ્યું છે તેના દ્વારાપણ શાળાઓ ખોલવાની તરફેણ કરવામાં આવી હતી.

માનવ સ્ક્રોપી વિકાસ તથા આરોગ્ય મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. 1લી સપ્ટેમ્બરથી પ્રથમ પખવાડિયામાં ધો. 10 થી 12ના ક્લાસ ખોલવા સૂચવાયુંછે. વિદ્યાર્થીઓનું વિભાજન થશે અને જુદા જુદા દિવસોએ સ્કૂલે આવવા કહેવાશે.અર્થાત 50 ટકા વિદ્યાર્થીઓને એક દિવસ અને બાકીના 50 ટકાને બીજા દિવસે બોલાવાશે. શાળા-અભ્યાસનો સમય પણ 5-6 કલાકને બદલે બે-ત્રણ કલાકનો જ રહેશે.

આ ઉપરાંત 8થી 17 અને 12 થી 3ની શિફટમાં સ્કૂલ ચાલશે.દરેક શિફટ બાદ સ્કૂલ સેનીટાઇઝ થશે.33 ટકા સ્ટાફ તથા વિદ્યાર્થીઓની સ્કૂલ ચલાવવાનું કહેવામાં આવશે.પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓને હજુ ઓનલાઈન ધોરણે જ ભણાવાશે.

10 થી 12ના ક્લાસ વ્યવસ્થિત થયા બાદ ધો. 6 થી 9ના વિદ્યાર્થીઓનો વારો લેવાશે.સ્વીટઝરલેન્ડના મોડલ મુજબ શિડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે.અઢી મહિનાના ગાળામાં તમામ શિક્ષણ સંસ્થાઓ ખોલી નાખવાનો ઇરાદો છે.

Share Now