નવી મસ્જિદને બાબરનું નામ આપતા નહીં, યોગીના એક પ્રધાને મુસ્લિમોને સલાહ આપી

292

લખનઉ તા.10 ઑગષ્ટ 2020 સોમવાર

અયોધ્યામાં તમે જે નવી મસ્જિદ બનાવો એેને બાબરનું નામ આપતા નહીં એવી સલાહ યોગી આદિત્યનાથના એક પ્રધાને ઉત્તર પ્રદેશના મુસ્લિમોને આપી હતી.આ સલાહ નવો વિવાદ જગાડે એવી શક્યતા નકારી કઢાતી નથી.જો કે સલાહ આપનાર પ્રધાન પોતે પણ મુસ્લિમ છે.યોગી સરકારના એક પ્રધાન મોહસિન રઝાએ મુસ્લિમોને એવી સલાહ આપી હતી કે હજરત મુહમ્મદ પયગંબર (સ.અ.વ.)નું નામ આ મસ્જિદ સાથે જોડજો.

ગયા વર્ષના નવેંબરમાં સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ બાંધકામ પર રામ મંદિર બનાવવાનો અને મુસ્લિમોને મસ્જિદ બનાવવા પાંચ એકર જમીન આપવાનો આદેશ કેન્દ્ર સરકારને આપ્યો હતો. તદનુસાર અયોધ્યામાંજ અન્યત્ર મસ્જિદ બનાવવાની છે.ઉત્તર પ્રદેશની સરકારે ધન્નીપુર ગામમાં પાંચ એકર જમીન મુસ્લિમોને આપી હતી. સુન્ની વકફ બોર્ડે ઇન્ડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન રચીને મસ્જિદના બાંધકામની જવાબદારી આ ફાઉન્ડેશનને સોંપી દીધી હતી.

હવે આ મસ્જિદના નામકરણ અંગે રાજ્યના હજ, લઘુમતી કલ્યાણ અને મુસ્લિમ વકફ ખાતાના પ્રધાન મોહસિન રઝાએ રવિવારે એક વિડિયો મેસેજમાં કહ્યું હતું કે અમે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સુન્ની વકફ બોર્ડને પાંચ એકર જમીનનો કબજો આપી દીધો છે પરંતુ અયોધ્યામાં કે સમગ્ર દેશમાં ક્યાંય પણ કોઇ પણ ચીજ સાથે બાબરનું નામ જોડાય એ અમને સ્વીકાર્ય નથી.મારું સુન્ની વકફ બોર્ડને એવું સૂચન છે કે નવી મસ્જિદને હજરત મુહમ્મદ પયંગબર (સ.અ.વ.)નું નામ આપવું . અયોધ્યામાં જે રીતે રામ મદિર બની રહ્યું છે એ રીતે મુસ્લિમોએ હજરત મુહમ્મદ પયગંબરના નામે કલમા પઢ્યા છે.એમની માનવતાને ધ્ચયાનમાં રાખીને અન્ય ધર્મના લોકો પણ એમનો આદર કરે છે.એ ધ્યાનમાં રાખીને આ મસ્જિદનું નામ હજરત મુહમ્મદ પયગંબર સાથે જોડવાનું અમારું સૂચન છે.સુન્ની વકફ બોર્ડ એ વિશે વિચારે.

Share Now