ફેસબુક ઇન્ડિયાની પબ્લિક પૉલિસી ડાયરેકટર અંખી દાસે ધમકી મળ્યાની બાબતમાં દિલ્હી પોલીસમાં એક ફરિયાદ નોંધાવી છે.અંખી દાસનું કહેવું છે કે તેમણે એ લોકોની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમણે તેમને ધમકી આપી છે.
તો સાઉથ દિલ્હીના ડીસીપીએ કહ્યું કે ફેસબુક ઇન્ડિયાના પબ્લિક પૉલિસી ડાયરેકટર અંખી દાસની ફરિયાદ મળી છે અને આ કેસમાં તપાસ કરી રહ્યા છે. જો કે ડીસીપીએ કહ્યું કે આ કેસમાં હજુ એફઆઇઆર નોંધી નથી.
ફરિયાદમાં અંખી દાસે કહ્યું કે ઑનલાઇન પોસ્ટિંગ/કંટેંટ દ્વારા તેમના જીવન અને હિંસાને ખતરો છે.ફરિયાદમાં કેટલાંક ટ્વિટર અને ફેસબુક હેન્ડલનો ઉલ્લેખ કર્યો છે. જ્યાંથી તેમને ધમકી મળી છે.તેમણે આ કેસમાં તાત્કાલિક એફઆઇઆર નોંધવાની માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે અંખી દાસે દિલ્હી પોલીસમાં આ ફરિયાદ એવા સમયે કરી છે જ્યારે ફેસબુકને લઇ વિવાદ છંછેડાયો છે.અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં ફેસબુક હેટ-સ્પીચ રૂલ્સ કોલાઇડ વિદ ઇન્ડિયન પોલિટિક્સ હેડિંગથી પ્રકાશિત રિપોર્ટ બાદ ભારતમાં રાજકીય આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઇ ગયો છે.
અમેરિકન અખબારના રિપોર્ટમાં કહ્યું છે કે ફેસબુક ભારતમાં ભાજપ નેતાઓના હેટ સ્પીચના મામલામાં નિયમમાં ઢીલ વર્તે છે. રિપોર્ટમાં કહ્યું છે કે તેલંગાણાથી ભાજપના નેતા ટી રાજા સિંહની એક પોસ્ટને લઇ ફેસબુક કર્મચારીઓએ ભારતમાં ભાજપના નેતાની હેટ સ્પીચ અંગે સોશિયલ મીડિયા કંપનીના ટોચના અધિકારીને કહ્યું પરંતુ કોઇ કાર્યવાહી કરી નહીં. ટી રાજા સિંહની એક ફેસબુક પોસ્ટમાં મુસ્લિમોની વિરૂદ્ધ હિંસાનું સમર્થન કર્યાનો દાવો છે.