વકીલ પ્રશાંત ભૂષણ સામેના કોર્ટના અનાદરનાં 11 વર્ષ જૂના કેસમાં સુપ્રીમકોર્ટે સોમવારે 2 મોટા સવાલ નક્કી કર્યા.આ અંગે સુનાવણી કરી રહેલી કોર્ટ નક્કી કરશે કે જજો સામે સાર્વજનિક ધોરણે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકાય કે નહીં? જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચ એ પણ નક્કી કરશે કે આ મુદ્દો સુનાવણી માટે લાર્જર બેન્ચને મોકલવો કે નહીં? વધુ સુનાવણી 24 ઓગસ્ટે થશે.આ તબક્કે સિનિયર એડવોકેટ શાંતિ ભૂષણે કહ્યું કે,કોર્ટે નિયમિતપણે સુનાવણી શરૂ થયા બાદ જ આ મામલો સાંભળવો જોઇએ.જવાબમાં જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે તેઓ મામલો ખતમ કરવા ઇચ્છતા હતા પણ આમાં બે મહત્ત્વના સવાલ ઊભા થયા છે,જે નક્કી કરવા ખૂબ જરૂરી છે.જો કોઇ જજ સામે ભ્રષ્ટાચાર સંબંધી ફરિયાદ હોય તો શું જજોના ભ્રષ્ટાચાર અંગે સાર્વજનિક નિવેદન આપી શકાય? આવા નિવેદન ક્યારે આપી શકાય અને ક્યારે નહીં? હાલ કાર્યરત જજો અને નિવૃત્ત જજોના સંબંધમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવા અંગે શું પ્રક્રિયા હોવી જોઇએ?