દિલ્હીમાં ગુજરાતના ઓફિસરોનો દબદબો, PM મોદીએ 6 વર્ષમાં આટલાને બોલાવ્યા

309

ગુજરાતનું મુખ્યમંત્રીપદ છોડીને કેન્દ્રમાં વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીનું બીજું ગુજરાત દિલ્હીમાં જોવા મળી રહ્યું છે.દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના સૌથી વધુ આઇએએસ,આઇપીએસ અને આઇએફએસ ઓફિસરોની નિયુક્તિ તેમણે કરી છે. મોદી તેમના શાસનના છ વર્ષમાં ગુજરાત કેડરના 36થી વધુ ઓફિસરોને ડેપ્યુટેશન પર દિલ્હી લઇ ગયા છે જે પૈકી કેટલાક પાછા આવ્યા છે અને કેટલાક નવા ઓફિસરો ડેપ્યુટેશનમાં જોડાયેલા છે.

2014માં વડાપ્રધાન બન્યાં પછી મોદીએ ગુજરાતના 36થી વધુ ઓફિસરોને દિલ્હી બોલાવ્યા હતા, જ્યારે 2019 પછી ફેરબદલીમાં પણ 35થી વધુ ગુજરાત કેડરના ઓફિસરો દિલ્હીમાં ફરજયુક્ત છે.રાજકીય ઇતિહાસ જોઇએ તો કેન્દ્ર સરકારમાં અત્યાર સુધી ઉત્તરપ્રદેશ અને બિહારનો દબદબો હતો કે સૌથી વધુ ઓફિસરો જે તે કેડરના નિયુક્ત થયેલા હતા.આજે સ્થિતિ બદલાઇ છે.ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતી ગૃહમંત્રી અમિત શાહના સમયમાં ગુજરાતીઓને સ્થાન મળે તે સ્વાભાવિક છે.

ગુજરાતના જે 22થી વધુ આઇએએસ ઓફિસરો ડેપ્યુટેશન પર દિલ્હી સ્થિત કેન્દ્ર સરકારમાં ફરજ બજાવે છે તેમાં રાજીવ ટોપનો હતા પરંતુ તેમને વર્લ્ડબેન્કમાં મોકલવામાં આવ્યા છે.ગુજરાત કેડરના બીજા અધિકારી એક અપર્ણા પણ વર્લ્ડબેન્કમાં છે,જેઓ હવે પાછા આવી રહ્યાં છે.પીએમઓમાં તાજેતરમાં જે નિયુક્તિ થઇ છે તેમાં હાર્દિક શાહનો સમાવેશ થાય છે.ગુજરાત કેડરના આઇએફએસ ઓફિસર ભરતલાલ અત્યારે રાષ્ટ્રપતિભવનમાં છે.

ગુજરાતના ચીફ સેક્રેટરીના દાવેદાર ગુરૂપ્રસાદ મહાપાત્ર કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર છે.એવી જ રીતે પીડી વાઘેલા, અનિતા કરવલ, આરતી કંવર, આરપી ગુપ્તા, અજય ભાદુ, ગૌરીકુમાર, રીટા તેવટીયા, એચકે દાસ, અતનુ ચક્રવર્તી, વિક્રાંત પાંડે, કે શ્રીનિવાસ, અતનુ ચક્રવર્તી, અજયકુમાર, જીસી મુર્મુ, એકે શર્મા, પીકે મિશ્રા, એકે સિંઘ પણ દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવે છે. આઇએએસની જેમ આઇપીએસ ઓફિસરોનો પણ દિલ્હીમાં દબદબો છે.

મોદીની સાથે દિલ્હી ગયેલા કેટલાક આઇએએસ અને આઇપીએસ ઓફિસરો ગુજરાત પાછા પણ આવી ગયા છે.કેટલાક ડેપ્યુટેશન પિરીયડમાં નિવૃત્ત થયેલા છે.એ ઉપરાંત કેટલાક ઓફિસરો ડેપ્યુટેશન પર ગયા છે.આઇએએસની જેમ આઇપીએસ ઓફિસરો પણ ડેપ્યુટેશન પર દિલ્હી જતા હોય છે.હાલની સ્થિતિએ ગુજરાત કેડરના 11થી વધુ આઇપીએસ ઓફિસરો દિલ્હી ડેપ્યુટેશન પર છે જેમાં પ્રવિણ સિંહા સહિતના સિનિયર ઓફિસરોનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે પ્રત્યેક રાજ્યમાં ભારતીય સેવાના અધિકારીઓમાં ડેપ્યુટેશન પર લઇ જવાનો રૂલ્સ હોય છે જે આઇએએસની સાથે આઇપીએસને પણ લાગુ પડે છે. ગુજરાતમાં આઇએએસની કુલ સ્ટ્રેન્થ 313 ઓફિસરોની છે જે પૈકી 40 ટકાથી ઓછા તેમજ આઇપીએસ કેડરમાં 208ની સ્ટ્રેન્થ છે જે પૈકી 40 ટકાથી ઓછા ઓફિસરોને ડેપ્યુટેશન માટે પરમિશન આપવામાં આવતી હોય છે.

Share Now