દર વર્ષે ‘ઑફ-કોમ’ બ્રિટનમાં એક રીસર્ચ હાથ ધરે છે, જેમાં લોકો સમાચારોના અલગ અલગ માધ્યમોમાંથી કોના પર વધુ ભરોસો મૂકે છે એનું તારણ કાઢવામાં આવે છે.2020ની સાલમાં પણ આ સંશોધન હાથ ધરવામાં આવ્યું.આજ સુધી એવું જોવામાં આવ્યું હતું કે લોકો ટ્રેડિશનલ માધ્યમો જેવા કે ટીવી, રેડિયો, પ્રિન્ટ અખબારને બદલે સોશિયલ મીડિયાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.પરંતુ આજ વખતે એક ચોંકાવનારી વિગત સંશોધન દરમિયાન બહાર આવી.
સોશિયલ મીડિયા પર સમાચારો વાંચતા લોકોની ટકાવારી 49 ટકાથી ઘટીને 45 ટકા સુધી આવી ગઈ છે! ના, આનું કારણ કોરોના નથી.કારણકે બ્રિટનમાં આ રીસર્ચ પ્રિ-કોરોનાયુગમાં લેવાઈ ચૂક્યો હતો.ખરું કારણ એ છે કે લોકોને સોશિયલ મીડિયા પર પ્રકાશિત થતાં સમાચારો પર જલ્દીથી વિશ્વાસ નથી થતો.તેની પ્રમાણિતતા સાબિત કરવા માટે ખાસ કોઈ રસ્તા ઉપલબ્ધ નથી હોતાં. મહત્વની બાબત એ છે કે,નવાસવા રીસર્ચમાં લોકોએ મેગેઝિન, ટેલિવિઝન, પ્રિન્ટ અખબાર, રેડિયો, સોશિયલ મીડિયા સિવાયનું ઇન્ટરનેટ (જેમકે વેબસાઇટ્સ) જેવા માધ્યમો પર 60 ટકાથી વધારે ભરોસો કરવાનું પસંદ કર્યુ છે.
કોરોના બાદ પણ એક રીસર્ચ હાથ ધરવામાં આવ્યો. જેમાં સામે આવ્યું કે લોકોની સોશિયલ મીડિયા પરની વિશ્વસનીયતા 49 ટકાથી ઘટીને ફક્ત 29 ટકા થઈ ગઈ છે.સ્વાભાવિક રીતે અંદાજો લગાવી શકાય છે કે લોકોને હવે કોરોનાના સમાચારો અસર નથી કરતા.તેની હેડલાઇન્સ હવે કોઈના પર પ્રભાવ નથી પાડી રહી.ઉલ્ટું, લોકો માને છે કે કોરોનાના સમાચાર સાંભળવાથી મૂડ બગડી જાય છે.શું તમે પણ આવું જ અનુભવી રહ્યા છો?