છ એનજીઓ પર વિદેશી ફંડ મેળવવા પર પ્રતિબંધ, ફેરા કાયદા હેઠળ લેવાયેલું પગલું

300

– છમાં ચાર ઇસાઇ એનજીઓ છે

નવી દિલ્હી તા.7 સપ્ટેંબર : કેન્દ્ર સરકારે ચાર ઇસાઇ સહિત કુલ છ એનજીઓ પર વિદેશી દાન લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (ફેરા) હેઠળ આ પગલાં લેવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારને એવા અહેવાલ મળ્યા હતા કે કેટલીક ઇસાઇ સંસ્થાઓ જાતજાતનાં પ્રલોભનો આપીને ધર્માંતર કરાવતી હતી.એટલે કેન્દ્ર સરકારે કેટલીક સંસ્થાઓ પર નજર રાખી હતી. બે અમેરિકી દાતા પણ કેન્દ્રની નજર હેઠળ હતા. આ દાતા શંકાસ્પદ એનજીઓને સતત નાણાં મોકલતા હતા.પોતાની ઓળખ છૂપાવીને એક સરકારી સૂત્રે આ માહિતી આપી હતી.

આ સૂત્રે જણાવ્યા મુજબ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચ અને બાપ્ટીસ્ટ ચર્ચ સહિત અમેરિકા દાતાઓ અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી.હાલ વધુ તપાસ ચાલી રહી હતી.
જે ચાર ઇસાઇ એનજીઓ પર વિદેશી દાન લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો એમાં ઝારખંડની એક્ર્યુસોક્યુલીસ નોર્થ વેસ્ટર્ન ગોસનેર ઇવેન્જેલિકલ,મણીપુરની ઇવેન્જેલિકલ ચર્ચીઝ એસોસિયેશન,ઝારખંડની નોર્ધર્ન ઇવેન્જેલિકલ લુથરન ચર્ચ અને મુંબઇની ન્યૂ લાઇફ ફેલોશીપ એસોસિેયેશનનો સમાવેશ થયો હતો.

અત્રે એ નોંધવા જેવું છે કે કોઇ પણ એનજીઓ પાસે વિદેશી ફંડફાળો ઊઘરાવવા માટે લાયસન્સ હોવું અનિવાર્ય છે.આ ચારે સંસ્થાના દાનને શા માટે રોકવામાં આવ્યું એની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.

ગૃહ મંત્ર્યાલયના અહેવાલ મુજબ ન્યૂ લાઇફ ફેલોશીપ એસોસિયેશનના લાયસન્સને આ વર્ષના ફેબ્રુઆરીમાં રદ કરાયું હતું.ગયા વરસે આ સંસ્થાની મુંબઇમાં યોજાએલી એક પ્રેયર સભાને વિશ્વ હિન્દુ પરિષદ અન બજરંગ દળે ખોરવી નાખી હતી.આ બંને સંસ્થાઓએ એવો દાવો કર્યો હતો કે પ્રાર્થનાના બહાને અહીં વટલાવ પ્રવૃત્તિ થતી હતી.એ વિશે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.એક અખબાર જૂથે આ વિશે ઇ મેલ દ્વારા કેન્દ્રના ગૃહ ખાતા પાસે સ્પષ્ટતા માગતાં કોઇ જવાબ આપવામાં આવ્યો નહોતો.

Share Now