રિયાની રાત લોકઅપમાં વીતી : ડ્રગ્ઝ નેટવર્કમાં સામેલ હોવાનો ધડાકો

253

મુંબઇ તા. 9 : અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોતમાં ડ્રગ્સના મામલે રિયા ચક્રવર્તીની 3 દિવસની પુછપરછ પછી મંગળવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી રિયાનું મેડીકલ ચેકઅપ કર્યા પછી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા મુંબઇ સ્થિત અદાલત સમક્ષ રજુ કરવામાં આવી હતી.

જયાં રિયાની જામીન અરજી ફગાવી 22 સપ્ટેમ્બર સુધીની કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.હવે રિયાને 14 દિવસ સુધી જેલમાં રહેવું પડશે.જેલના નિયમ અનુસાર સુર્યાસ્ત પછી જેલમાં કોઇ કેદીની એન્ટ્રી કરવામાં આવતી નથી.તેથી રિયાને મંગળવારની રાત એનસીબીની ઓફીસમાં જ પસાર કરવી પડી હતી અને હવે આજે સવારે તેને જેલમાં ધકેલવામાં આવશે.

એનસીબીએ દાવો કર્યો છે કે રિયા ડ્રગ સિન્ડીકેટમાં ‘સક્રીય સભ્ય’ હતી અને અભિનેતા માટે ડ્રગ્સ હાંસિલ કરતી હતી.એનસીબીના ડિરેકટર કે.પી.એસ મલ્હોત્રાએ જણાવ્યુ કે ‘રિયાની એનડીપીએસની ધારા 7 એ, 21, 22 , 29 અને 28 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.’ ધરપકડ પછી રિયાનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.જે નેગેટીવ આવ્યો હતો.તેને મંગળવારે સાંજે 7 વાગ્યે એનસીબી કાર્યાલય લઇ જવામાં આવી અને અને તેને વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા અદાલત સમક્ષ રજુ કરવામાં આવી હતી.

એનસીબીના એમ અશોક જૈનનાં જણાવ્યા મુજબ કેન્દ્રીય એજન્સી પાસે તેની ધરપકડ માટે પુરતા પુરાવા હતા.તેની પાસેથી નશીલા દ્રવ્યો (પદાર્થો) મળ્યા નથી. એનસીબી આ કેસમાં કોઇ પણ આરોપીને જામીન આપવાનો વિરોધ કરશે.

એનસીબીએ માદક પદાર્થોની સપ્લાય કરવાના આરોપમાં તાજેતરમાં જ રિયાના ભાઇ શૌવિક ચક્રવર્તી અને સુશાંતના મેનેજર મિરાંડા તથા અભિનેતાના હાઉસ હેલ્પર દિપેશ સાવંતની પણ ધરપકડ કરી હતી.મંગળવારે સવારે રિયા બલાર્ડ એસ્ટેટ સ્થિત એનસીબીના કાર્યાલયે પહોંચી હતી અને આ સમયે તેની પાસે એક બેગ પણ જોવા મળી હતી.

એનસીબીના સુત્રોના જણાવ્ય મુજબ શૌવિકે કબૂલ્યુ હતું કે તે ઝૈદ વિલાત્રા અને અન્ય એક પેડલરની મદદથી ડ્રગની ડિલેવરી કરવાની સવલત પૂરી પાડતો હતો. ‘તમામ ડ્રગ્સની ડિલેવરી રાજપુતના સહાયકો દ્વારા રિસીવ કરવામાં આવતી હતી.ડ્રગ્સના પેમેન્ટ મામલે પણ રિયાને જાણ હતી.કયારેક પેમેન્ટ અને ડ્રગની પસંદગી પણ રિયા દ્વારા કરવામાં આવતી હતી.
સેમ્યુઅલે પણ તેના નિવેદનમાં કબુલ્યુ હતું કે તે સુશાંત અને રિયાના જણાવ્યા પ્રમાણે જ ડ્રગ્સ પુરા પાડતો હતો.પેમેન્ટ પણ તે બંને દ્વારા જ થતું હતું.’

આ રીતે થઇ રિયાની ધરપકડ

28 ઓગસ્ટ : એનસીબીએ 46 ગ્રામ મરીજુઆના સાથે અબ્બાસ રમઝાન લાખાણીની ધરપકડ કરી. અબ્બાસે કરણ અરોરાનું નામ આપ્યું.

1 અને 2 સપ્ટેમ્બર : અબ્બાસ અને કરણની પુછપરછમાં ઝૈદ વિલાત્રાનું નામ સામે આવ્યુ. ઝૈદે રિસિવર તરીકે અબ્દેલ બસિત પરીહરનું નામ આપ્યુ અને અબ્દેલે શૌવિક ચક્રવર્તીના નામનો ખુલાસો કર્યો.

3 અને 5 સપ્ટેમ્બર : અબ્દેલની ધરપકડ કરાઇ. અબ્દેલે ચરસનાં સપ્લાયર તરીકે કૈઝન ઇબ્રાહીમનું નામ આપ્યું. કૈઝનને ત્યાં દરોડા પાડતા 0.5 ગ્રામ ચરસ મળી આવ્યુ. પુછપરછમાં કૈઝને કહયું કે તે શૌવિકની સુચનાથી દિપેશને ડિલીવર કરતો હતો અને સાથે સેમ્યુઅલ મિરાંડાનું નામ આપ્યું. સેમ્યુઅલ અને દિપેશની ધરપકડ કરાઇ. કૈઝને વધુ એક અનુજ કેશવાણીનું નામ આપ્યું.

3-5 સપ્ટેમ્બર : અનુજની 585 ગ્રામ ચરસ, 270.12 ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરાઇ.

3-7 સપ્ટેમ્બર : અનુજે આ ડ્રગ્સ રિગેલ પાસેથી મેળવ્યાનો ખુલાસો કર્યો.શૌવિકે જણાવ્યુ કે તે અબ્દેલ મારફતે સુશાંતના સહાયકોને ડ્રગ્સ આપતો હતો. તમામ ડિલેવરી અને પેમેન્ટની રિયાને જાણ હતી.સુશાંત અને રિયાની સુચના મુજબ ડ્રગ્સ આપતો હોવાનો સૈમ્યુઅલ મિરાંડાનો ખુલાસો.

6-8 સપ્ટેમ્બર : 6 સપ્ટેમ્બરે પુછપરછમાં રિયાએ ડ્રગ્સ મામલે પોતાની સંડોવણી હોવાનું કબુલ્યું અને 8 સપ્ટેમ્બરે રિયાની ધરપકડ કરાઇ.

આરોપ સાબિત થયા તો 20 વર્ષની સજા
સુશાંતના મોત મામલે એનસીબીએ એનસીબી એકટ 80 સી, 20 બી, 27 એ, 28 અને 29 હેઠળ રિયાની ધરપકડ કરી છે. આ ધારા હેઠળ જો આરોપો સાબિત થાય તો રિયાને 10 થી 20 વર્ષની સજા થઇ શકે છે.

હવે મર્ડર કેસનું શું ?
ગઇકાલે રિયાની ડ્રગ્સ મામલે ધરપકડ કરાઇ છે. પરંતુ સુશાંતના અપમૃત્યુનો કેસ હજુ જેમનો તેમ જ છે.સુશાંતના અપમૃત્યુના મુળ સુધી પહોંચવામાં હજુ સમય લાગે તેવી શકયતાને પગલે આ સમયગાળા દરમિયાન શંકાસ્પદ પરનું પ્રેશર હળવું ન થાય તેવા હેતુથી એનસીબીએ ડ્રગ્સ ખરીદવાના આરોપસર પગલાં લેવાનું શરૂ કર્યુ છે.

Share Now