– 1984માં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો
– હાલ મળેલી પરવાનગી પાંચ વર્ષ માટે છે
અમૃતસર તા.11 સપ્ટેંબર 2020 શુક્રવાર
શીખોના સર્વોચ્ચે તીર્થધામ અમૃતસરના સુવર્ણ મંદિરને વિદેશી દાન લેવાની પરવાનગી આપવામાં આવી હતી. 1984 પછી પહેલીવાર આ પરવાનગી આપવામાં આવી હતી.
સદ્ગત વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ સુવર્ણ મંદિરમાં છૂપાયેલા ખાલિસ્તાની નેતા સંત જર્નૈલ સિંઘ ભીંદરાંવાલે અને એમની સશસ્ત્ર સેનાને હંફાવવા સુવર્ણ મંદિરમાં ઓપરેશન બ્લુ સ્ટાર ચલાવ્યું ત્યારબાદ સુવર્ણ મંદિરને વિદેશી દાન લેવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. હવે નરેન્દ્ર મોદી સરકારે સચખંડ શ્રી હરમંદિર સાહેબ શ્રી દરબાર સાહેબ પંજાબ એસોસિયેશનને વિદેશી દાન (નિયમન) ધારા હેઠળ વિદેશી દાન લેવાની પરવાનગી મંજૂર કરી હતી.
આ પરવાનગી પાંચ વર્ષની મુદત માટે હતી.ગૃહ મંત્ર્યાલયે સુવર્ણ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન અને અન્ય સુવિધાઓ આપવા માટે વિદેશી ફંડ લેવાની મંજૂરી આપી હતી.શ્રદ્ધાળુઓને ભોજન આપતા લંગરનું સંચાલન શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ કરી રહી હતી.છેક 1925માં સ્થપાયેલું સચખંડ શ્રી હરમંદિર સાહેબ શ્રી દરબાર સાહેબ પંજાબ એસોસિયેશન અત્યાર સુધી માત્ર દેશની અંદર દાન ફાળો લઇ શકતું હતું. હવે એને વિદેશી દાન લેવાની પરવાનગી આપવામાં આવી હતી.
એક અહેવાલ મુજબ સુવર્ણ મંદિર લંગર ચલાવવા માટે દર વરસે 40 કરોડ રૂપિયા ખર્ચે છે.અહીં આવનાર કોઇ પણ વ્યક્તિ અહીં ભોજન લઇ શકે છે.સુવર્ણ મંદિરને મળતું દાન એની આવકનો મુખ્ય સ્રોત છે.સુવર્ણ મંદિર સાથે બાર હજાર કર્મચારીઓ જોડાયેલા છે.ગયા વરસે સુવર્ણ મંદિરને 250 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટર પર સુવર્ણ મંદિરને વિદેશી દાન લેવાની અપાયેલી મંજૂરીનો ઉલ્લેખ કર્યો હતો અને લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધન્ય છે કે વાહે ગુરૂજીએ એમની સેવા સ્વીકારી હતી.