સુરત : સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ખંજરોલી ગામે આવેલ જલારામ સ્ટોન ક્વોરી માલિકની આત્મહત્યા પ્રકરણમાં સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ રસ દાખવી આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હોવાનું જાણવા મળે છે.
સુરતના રાંદેર રોડ પર આવેલ સૂર્યપુર સોસાયટીમાં રહેતા અને માંડવીના ખંજરોલી ગામે જલારામ સ્ટોન ક્વોરીનો વ્યવસાય સાથે સંકળાયેલા સહકારી અગ્રણી દુર્લભભાઈ પટેલે ખંજરોલી ગામે આવેલ તેમની સ્ટોન ક્વોરીમાં પડતું મૂકી આત્મહત્યા કરી લેવાની ઘટનાને લઈ સ્યૂસાઇડનોટને આધારે તેમના પુત્ર ધર્મેશ પટેલે માંડવી પોલીસ સ્ટેશનમાં રાંદેર પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા સહિત 11 આરોપીઓ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં ધર્મેશ પટેલે નોંધાવેલી પોલીસ ફરિયાદ અને મળી આવેલી સ્યૂસાઇડ નોટમાં જણાવ્યુ હતું કે,સુરતના અડાજણ ખાતે આવેલ પીસાદની જમીન વિવાદમાં કેટલાક ભૂમાફિયાઓના ઇશારે રાંદેર પીઆઇ લક્ષ્મણસિંહ બોડાણા અને તેમના સ્ટાફે જમીનના દસ્તાવેજ કરી આપવામાં બાબતે વારંવાર માનસિક ત્રાસ આપ્યો હતો.અને અવારનવાર તેમની પાસે જમીનને લગતા લખાણો બળજબરી પૂર્વક કરાવી લીધા હતા.અને નોટરી પણ કરાવી હતી.આ ઘટનામાં સુરત જિલ્લા પોલીસ વડાએ રસ દાખવી ગુનાની તપાસ બારડોલી ડી.વાય.એસ.પી રૂપલ સોલંકીને સોંપી હતી.ત્યારબાદ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે તેમજ ઝડપથી અને મૂળ સુધી તપાસ થાય તે માટે જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ ની રચના કરી છે.આ ગુનામાં અલગ અલગ સ્પેશિયલ ચાર ટીમોની (સીટ) ની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપી રૂપલ સોલંકી તથા બે પી.આઈ અને બે પી.એસ.આઈનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.