જો બોલા વો કિયા…અનબિટેબલ મોદી

271

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૦મો જન્મદિવસ છે ત્યારે આજના દિવસે તેમની કામ કરવાની શૈલી, તેમની ઉપલબ્ધિઓ,અપેક્ષાઓ અને સપનાઓનો ઉલ્લેખ કરવો જરૂરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ મે,૨૦૧૯નાં રોજ ભારતનાં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા.આ પ્રધાનમંત્રી તરીકે તેમનાં બીજા કાર્યકાળની શરૂઆત હતી. આઝાદી પછી જન્મેલા ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી મોદીએ અગાઉ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન પ્રધાનમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. વળી તેઓ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી એટલે કે ઓક્ટોબર, ૨૦૦૧ થી મે, ૨૦૧૪ સુધી સેવા આપનાર મુખ્યમંત્રીની ઉપલબ્ધિ પણ ધરાવે છે.વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં મોદીનાં નેતૃત્વમાં ભારતીય જનતા પક્ષે વિક્રમી વિજય મેળવ્યો હતો તેમજ બંને ચૂંટણીઓમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. આ અગાઉ વર્ષ ૧૯૮૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં કોઈ પણ રાજકીય પક્ષે આ પ્રકારે સ્પષ્ટ બહુમતી મેળવી હતી.

સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસનાં મંત્ર સાથે મોદીએ વહીવટી પ્રક્રિયામાં મોટા પાયે પરિવર્તન લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે,જે સમાવેશકતા, વિકાસલક્ષી અભિગમ અને ભ્રષ્ટાચારમુક્ત શાસન તરફ દોરી ગઈ છે.પ્રધાનમંત્રી સરકારી યોજનાઓ કે સરકારી સેવાઓનાં લાભ અંત્યોદયનો ઉદ્દેશ પાર પાડે કે છેવાડાનાં માનવી સુધી પહોંચે એ માટે ઝડપથી, વ્યાપકપણે કામ કરી રહ્યાં છે.એમણે જે વચન આપ્યા હતા તેમાંથી ઘણા બધા પૂરા કરી બતાવ્યા છે જેમ કે સીએએ-એનઆરસી,ત્રણ તલાક,અયોઘ્યામાં ભૂમીપૂજન,કલમ ૩૭૦ નાબૂદી સહિતનો સમાવેશ કરી શકાય.નાણાકીય સમાવેશકતા ગરીબો માટે આશીર્વાદરૂપ હોવાનું સમજીને પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જન ધન યોજના શરૂ કરી હતી,જન ધનથી એક પગલું આગળ વધીને મોદીએ જન સુરક્ષા પર ભાર મૂક્યો હતો.આ અંતર્ગત સમાજનાં સૌથી વધુ વંચિત વર્ગને વીમા અને પેન્શનનું કવચ આપવામાં આવ્યું છે.જેએએમ ત્રિપુટી (જન ધન આધાર મોબાઇલ)થી વચેટિયાઓ દૂર થયા છે તથા ટેકનોલોજીની મદદથી પારદર્શકતા અને ઝડપ સુનિશ્ચિત થઈ છે.
સૌપ્રથમ અત્યારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રનાં ૪૨ કરોડથી વધારે લોકોને પેન્શન કવચ મળ્યું છે.વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી મંત્રીમંડળની પહેલી બેઠકમાં આ જ પ્રકારની પેન્શન યોજના વેપારીઓ માટે પણ જાહેર કરવામાં આવી હતી.મોદીએ સોઇલ હેલ્થ કાર્ડ, ઇ-નામમાંથી કૃષિ માટે પથપ્રદર્શક યોજનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે,જેથી ખેડૂતોને વધારે સારા બજારો મળે અને સિંચાઈ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરી શકાય. ૩૦ મે,૨૦૧૯નાં રોજ પ્રધાનમંત્રીએ જળ સંસાધનો સાથે સંબંધિત તમામ પાસાંઓ પર ધ્યાન આપવા નવા જળ શક્તિ મંત્રાલયની રચના કરવાનું વચન પૂર્ણ કર્યું છે.

મહાત્મા ગાંધીનાં જન્મદિવસે બીજી ઓક્ટોબર, ૨૦૧૪નાં રોજ પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું હતું,જે દેશભરમાં સ્વચ્છતા લાવવા માટે સામૂહિક જન આંદોલન બની ગયું છે. આ આંદોલનનો વ્યાપ અને અસર ઐતિહાસિક છે.અત્યારે સફાઈનો વ્યાપ વર્ષ ૨૦૧૪માં ૩૮ ટકાથી વધીને ૯૯ ટકા થયો છે.કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ખુલ્લામાં મળોત્સર્જનથી મુક્ત જાહેર થયા છે.ગંગા નદીને સ્વચ્છ કરવા માટે મહત્ત્વપૂર્ણ પગલા હાથ ધરવામાં આવ્યાં છે.મોદીનું માનવું છે કે,પરિવર્તન કરવા માટે પરિવહન મહત્ત્વપૂર્ણ માધ્યમ છે.આ કારણે ભારત સરકાર વધારે હાઇવે,રેલવે,આઇ-વે અને વોટરવેની દૃષ્ટિએ અત્યાધુનિક માળખાનું સર્જન કરવા માટે કામ કરે છે.ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાથી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને લોકોને વધારે અનુકૂળ બનાવવામાં આવ્યું છે અને દેશનાં વિવિધ કેન્દ્રો વચ્ચે જોડાણ વધારવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદી લોકોના નેતા છે,જે જનતાની સમસ્યાઓનું સમાધાન કરવા અને તેમની સુખાકારી વધારવા સમર્પિત છે.એમના માટે લોકોની વચ્ચે રહેવું,તેમની સાથે ખુશીઓ વહેંચવી અને તેમનાં દુ:ખો દૂર કરવાથી વિશેષ સંતોષની બાબત બીજી કોઈ નથી.તેઓ લોકો સાથે અંગત સંપર્ક જાળવવાની સાથે-સાથે ઓનલાઇન માધ્યમોમાં પણ સારી હાજરી ધરાવે છે.તેઓ ભારતનાં સૌથી વધુ ટેકનો-સેવી નેતા તરીકે જાણીતા છે,લોકો સુધી પહોંચવા માટે વેબનો ઉપયોગ કરે છે અને તેમનાં જીવનમાં પરિવર્તન લાવે છે.તેઓ ફેસબુક,ટ્વીટર,ઇન્સ્ટાગ્રામ,સાઉન્ડ ક્લાઉડ,લિન્ક્ડઇન,વેઇબો અને અન્ય ફોરમ પર સક્રિય છે.

Share Now