દેશની સિકલ બદલનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ મોટા નિર્ણયો… જાણો

279

– આજે વડા પ્રધાનનો 70મો જન્મદિવસ છે

– તેમની જીવનયાત્રા અનેક સંઘર્ષોથી ભરેલી રહી

નવી દિલ્હી તા.17 સપ્ટેંબર 2020 ગુરૂવાર

એક ચાવાળાથી દેશના વડા પ્રધાન સુધીની નરેન્દ્ર મોદીની જીવનયાત્રા અનેક સંઘર્ષો અને કંટકોથી છવાયેલી રહી.પરંતુ ત્યારબાદ નરેન્દ્ર મોદી એક પછી એક સફળતાનાં સોપાનો એવી રીતે ચડતા ગયા કે સંઘર્ષ અનેરા આનંદમાં પલટાઇ ગયો.આજે દેશની યુવા પેઢી વડા પ્રધાને ચીંધેલા માર્ગે આગળ વધવા થનગની રહી હતી.

પોતાના અંગત જીવનનું સમર્પણ કરીને નરેન્દ્ર મોદીએ પાંચ એવા મોટા નિર્ણય કર્યા કે દેશનો નાકનક્શો બદલાઇ જતો લાગ્યો.પહેલો નિર્ણય ભગવાન રામલલાને એક છત આપવાને લગતો હતો.દાયકાઓથી હિન્દુ ભાવિકો અયોધ્યા વિવાદનો સુખદ અંત આવે એવી આશા સેવી રહ્યા હતા.વડા પ્રધાને એ સમસ્યાનું નિરાકરણ સાધીને કરોડો હિન્દુઓને આનંદનો અહેસાસ કરાવ્યો.

બીજો નિર્ણય છેલ્લાં 65-70 વર્ષથી કરોડો દેશવાસીઓને કાંટાની જેમ આંખમાં ખૂંચતો હતો.એ હતી બંધારણની 370મી કલમ જેણે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપીને દેશવાસીઓને અન્યાય કર્યો હતો.નરેન્દ્ર મોદીની સરકારે 2019ના ઑગષ્ટની પાંચમીએ 370મી કલમ રદ કરી નાખીને ઇતિહાસ સર્જ્યો.

ત્રીજો નિર્ણય સૈકાઓ જૂની અને મહિલાઓને સતત અન્યાય કરતી એક પરંપરા નષ્ટ કરવાનો હતો.એ પરંપરા એટલે મુસ્લિમ મહિલાઓને ચપટી વગાડતાં અપાતા તીન તલાક.સંસદનાં બંને ગૃહોમાં તીન તલાક વિરોધી ઠરાવ પસાર કરાવીને નરેન્દ્ર મોદીએે સૈકાઓ જૂની આ પરંપરાને કલમના એક ઝાટકે ગેરકાયદે જાહેર કરી દીધી. લાખો મુસ્લિમ મહિલાએાએ વડા પ્રધાનને મુબારકબાદી મોકલી. અનેક મહિલાઓએ તેમને રાખડી ભેટ મોકલી હતી.

ચોથો નિર્ણય બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઇકનો હતો.છેક 1989થી પાકિસ્તાન બેક સીટ ડ્રાઇવિંગની જેમ ભારતમાં આતંકવાદી હુમલા કરાવી રહ્યું હતું. 2019ના ફેબ્રુઆરીમાં જમ્મુ કશ્મીરના પુલવામા વિસ્તારમાં 40થી વધુ સીઆરપીએફ જવાનોનો ભોગ લેનારો આતંકવાદી હુમલો થયા બાદ નરેન્દ્ર મોદીએ માત્ર ગણ્યાગાંઠ્યા સાથીદારોને વિશ્વાસમાં લઇને પાક કબજા હેઠળના બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઇક કરાવી અને 40થી વધુ આતંકવાદી તાલીમ શિબિરો નષ્ટ કરાવી નાખી.આવું કંઇ થવાની પાકિસ્તાનની અપેક્ષા નહોતી એટલે બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન રઘવાયું થઇ ગયું હતું.

પાંચમો અને કદાચ સૌથી મહત્ત્વનો નિર્ણય નાગરિકતા સુધારા ધારો બની રહ્યો. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અત્યાચારો સહન કરીને રહેતા હિન્દુઓ, જૈનો, બૌદ્ધો, શીખો અને ઇસાઇઓને ભારતીય નાગરિકત્વ આપવાનો અને ભારતમાં આવીને વસવાટ કરવાની તક આપવાનો હતો.વડા પ્રધાનના આ પાંચ નિર્ણયોએ દેશની સિકલ પલટાવી નાખવાની દિશામાં કદમ માંડ્યા હતા.

Share Now