– એંજિનિયર્સ, ડૉક્ટર્સ અને પ્રોફેસર્સે પણ નોકરી ગુમાવી
– CMIEનો ચોંકાવનારો અહેવાલ પ્રગટ થયો
નવી દિલ્હી તા.18 સપ્ટેંબર : પગલે માત્ર ચાર મહિનામાં એંજિનિયર્સ, ફિઝિશ્યન્સ અને પ્રોફેસર્સ જેવા ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા 66 લાખ પ્રોફેશનલ્સ બેકાર થઇ ગયા હતા એવું એક અહેવાલમાં જણાવાયું હતું.
સેન્ટર ફોર ધ મોનિટરીંગ ઑફ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)એ પ્રગટ કરેલા એક અહેવાલમાં આવો દાવો કરાયો હતો.આ અહેવાલમાં જણાવાયું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં જે પ્રગતિ થઇ હતી એ કોરોનાના ચાર માસમાં ધોવાઇ ગઇ હતી એમ કહી શકાય. વ્યાવસાયિકો (પ્રોફેશનલ્સ)ના રોજગારનો આંકડો આ રીતે 2016 પછી પહેલીવાર નીચે ઊતરી ગયો હતો.
CMIEના આ રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો હતો કે છેલ્લા ચાર માસમાં 50 લાખથી વધુ ઔદ્યોગિક શ્રમિકો પણ બેકાર થયા હતા. કન્ઝ્યુમર પિરામિડ હાઉસહોલ્ડના સર્વે મુજબ સૌથી વધુ નુકસાન વ્હાઇટ કૉલર્સ પ્રોફેશનલ્સને એટલે કે એંજિનિયર્સ, ડૉક્ટર્સ, પ્રોફેસર્સ, એકાઉન્ટન્ટ્સ અને એનેલિસ્ટ્ વગેરે થયું હતું. જો કે આ ડેટામાં સ્વરોજગાર હોય એવા લોકોનો સમાવેશ કરાયો નહોતો. એટલા પૂરતો આ ડેટા અપૂર્ણ હતો.
CMIEએ જણાવ્યા મુજબ 2019ના મે-ઑગષ્ટ વચ્ચે આવા વ્હાઇટ કૉલર્સ કહેવાય એવા એક કરોડ 88 લાખ લોકો કામકાજ કરતા હતા.અત્યારે એ આંકડો ઘટીને એક કરોડ બાવીસ લાખ પર આવી ગયો હતો એટલે કે ઓછામાં ઓછા 66 લાખ લોકો બેકાર થઇ ગયા હતા. 2016 પછી રોજગાર ક્ષેત્રે આ સૌથી મોટો ઘટાડો હતો.
જો કે સૌથી વધુ ફટકો ઔદ્યોગિક શ્રમિકોને પડ્યો હતો.આ વર્ષના મેથી ઑગષ્ટ વચ્ચે 50 લાખથી વધુ ઔદ્યોગિક શ્રમિકો રોજગાર ગુમાવીને બેકાર થઇ ગયા હતા. એટલે કે છેલ્લા એક વર્ષમાં ઔદ્યોગિક શ્રમિકોમાં 26 ટકાનો ઘટાડો થઇ ગયો હતો. ખાસ કરીને મિડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને માઇક્રો સ્કેલ ઇન્ડસ્ટ્રીના શ્રમિકો વધુ બેકાર થયા હતા.આવા ઔદ્યોગિક એકમોને લૉકડાઉનની મરણતોલ અસર થઇ હતી.