ચીન દ્વારા થતી સાયબર જાસુસીના અહેવાલો પછી હવે વધુ ગંભીર ઘટસ્ફોટ સામે આવ્યો છે.નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના 100 જેટલાં કમ્પ્યૂટર્સમાં હેકર્સે ઘુસણખોરી કરીને અતિ સંવેદનશીલ ડેટા તફડાવ્યો હોવાની આશંકા ઊભી થઈ છે.દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આ ઘટનામાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.ઉલ્લેખનીય છે કે NICના ડેટાબેઝમાં વડાપ્રધાન સંબંધિત ગોપનિય વિગતો ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતીઓ પણ સચવાતી હોય છે.આથી હેકિંગની આ ઘટનાને બેહદ ગંભીર ગણવામાં આવે છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ, NICના કર્મચારીઓને એક મેઈલ મોકલવામાં આવ્યો હતો.એ મેઈલમાં મોકલાયેલી લિન્ક પર જેમણે ક્લિક કર્યું એ દરેકના કમ્પ્યૂટરનો ડેટા ગાયબ થઈ ગયો હતો.સાયબર એટેકનો ભોગ બનેલા 100 જેટલાં કમ્પ્યૂટર્સ NIC ઉપરાંત IT મંત્રાલય સાથે સંબંધિત હતા.
NICની સત્તાવાર ફરિયાદ બાદ દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે IT એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.હાલ અલબત્ત,પોલીસ તરફથી કશી વિગતો જાહેર કરવામાં આવી નથી પરંતુ આધારભૂત સૂત્રોના દાવા પ્રમાણે બેંગ્લુરુમાં એક અમેરિકન કંપની તરફથી મેઈલ મોકલીને હેકિંગ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીનની કેટલીક કંપનીઓ લગભગ દસ હજાર ભારતીયો પર નજર રાખી રહી છે.તેમાં વડાપ્રધાન,રાષ્ટ્રપતિ,વરિષ્ઠ અધિકારી,કેન્દ્રીય મંત્રી,મુખ્યમંત્રી,નેતા,ખેલાડી,અભિનેતા સહિત ઘણી હસ્તીઓના ડેટા પર નજર રાખી રહી છે.ચીનની કંપનીઓ આ તમામ મુવમેન્ટને રેકોર્ડ કરી રહી છે.
આ ખુલાસાનો મુદ્દો સંસદમાં ઉઠ્યો હતો,જે પછી વિદેશ મંત્રાલય તરફથી ચીનના દૂતાવાસમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી.સાથે જ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યુ છે.જે સમગ્ર મામલાને જોઈ રહી છે.