દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણ :ચાર્ટડ એકાઉન્ટન્ટને ત્યાં કરાયું સર્ચ

497

– આરોપીઓને મળી રહેલો સમય કેસને નબળો પાડી રહ્યો હોવાની ચર્ચા

દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણમાં પોલીસે ગુરુવારના રોજ બે ચાર્ટડ એકાઉન્ટન્ટને ત્યાં તપાસ શરૂ કરી હતી.ઉપરાંત અન્ય કેટલાક લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા.જો કે હાલ તપાસનો દોરી સંચાર સીધા ઉચ્ચ અધિકારી કરી રહ્યા હોય અધિકારીઓ મૌની બાબાની ભૂમિકા આવી ગયા છે.જે ગતિએ તપાસ આગળ વધી રહી છે તે જોતા આ કેસમાં આરોપીઓને વધુ સમય આપી બચાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે.

7મી સપ્ટેમ્બરના રોજ સુરતના રાંદેર રોડ પર સુર્યપુર સોસાયટીમાં રહેતા દુર્લભભાઈ પટેલે માંડવીના ખંજરોલી ખાતે આવેલ ક્વોરીની ખાણમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.આ પ્રકરણમાં પોલીસ અધિકારીઓથી લઈ મોટા માથાઓનો સમાવેશ થાય છે.રાંદેર પીઆઇ લક્ષ્મણ સિંહ બોડાણા,રાજુ લાખા ભરવાડ,હેતલ દેસાઈ, ભાવેશ સવાણી, કનૈયાલાલ નારોલા, કિશોર કોસીયા,અજય ભોપાળા, કિરણસિંહ રાઇટર વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી.પોલીસ દ્વારા ગતરોજ રાજુ લાખા ભરવાડ અને ભાવેશ સવાણીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાકીના આરોપી હજુ પણ પોલીસ પકડથી બહાર છે.દરમ્યાન ગુરુવારના રોજ જિલ્લા પોલીસ દ્વારા બે ચાર્ટડ એકાઉન્ટન્ટને ત્યાં આર્થિક વ્યવહારો અંગે તપાસ શરૂ કરી હતી.આ ચકચારી કેસના મામલે હવે પોલીસ મગનું નામ મરી નથી પાડી રહી. જેને લઇ જમીન માફિયાઓના કૌભાંડ પર પડદો પાડવાનો પણ પ્રયાસ કરવાના આવી રહ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે.સમગ્ર મામલે ઉચ્ચ અધિકારી સીધી દેખરેખ રાખી રહ્યા હોય તપાસ કરતી એસ.આઈ.ટી. પણ કાગળ પર જ બની રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.બીજી તરફ આત્મહત્યા પ્રકરણમાં શરૂઆતમાં જે ધમધમાટ જોવા મળતો હતો તે જોવા નથી મળી રહ્યો. 11 પૈકી માત્ર 2 આરોપીઓ પોલીસ પકડી શકી છે.બાકીના આરોપીને પકડવામાં પોલીસને રીતસરના ફાંફા પડી રહ્યા છે.ત્યારે જોવું રહ્યું કે પોલીસ આગામી દિવસોમાં કેટલી કામયાબ નીવડે છે.

Share Now