નવી દિલ્હી, તા.૧૯: એક દુર્લભ ઘટનામાં સુપ્રીમ કોર્ટે ગઈ કાલે પોતાને જ નોટિસ ફટકારી છે.કોર્ટ ઉત્તર પ્રદેશના કેટલાક ન્યાયિક અધિકારીઓની અરજી પર સુનાવણી કરી રહી હતી.આ અરજીમાં ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી કોલેજિયમ દ્વારા અલાહાબાદ હાઈ કોર્ટ માટે તેમના નામની ભલામણ નહીં કરવા અંગે સવાલો કરવામાં આવ્યા હતા.સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) શરદ અરવિંદ બોબડેએ કહ્યું હતું કે મેં મારા જીવનમાં કોઈને સુપ્રીમ કોર્ટમાં આવીને કહેતા નથી જોયા કે મને હાઈ કોર્ટનો ન્યાયાધીશ બનાવી દો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ વ્યકિત અરજી દાખલ કરે છે અને કહે છે કે તેને હાઈ કોર્ટનો ન્યાયાધીશ બનાવવો જોઈએ એ ખૂબ જ અન્યાયી છે.ખંડપીઠે કહ્યું હતું કે કોઈ પણ તે બનવા માગે છે એમ કહીને હાઈ કોર્ટના ન્યાયાધીશ બની શકશે નહીં.જોકે ખંડપીઠે આ અરજીની સુનાવણી માટે સંમતિ આપી હતી અને તેના મહાસચિવ, કેન્દ્ર અને અન્ય લોકોને નોટિસ ફટકારી હતી.ખંડપીઠે આ મામલે પુનર્વિચારણા માટે દાખલ કરેલી અરજી પર ચાર અઠવાડિયાંમાં જવાબ માગ્યો છે.