ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે મંદિરો બંધ રહેતા તથા ધાર્મિક સમારોહથી લગ્ન વિ. માં તથા આયોજનમાં બ્રેક લાગી જતા મંદિરોના પુજારીઓ તથા કર્મકાંડી બ્રાહ્મણોની આજીવીકાને મોટો ફટકો પડયો છે અને તેઓને ખાસ કરીને તહેવારો, લગ્નગાળા, શ્રાદ્ધ તથા દિવાળી સહિતની મોસમમાં જે કામકાજ મળવાપાત્ર હતું તે પણ નહી મળતા કર્મકાંડી, બ્રાહ્મણો, પુજારીઓને કોઈ રાહત મળે તેવી માંગણી લાંબા સમયથી સરકાર પાસે થતી હતી
તેમાં હવે રાજય સરકારે મંદિરના પુજારીઓ, કર્મકાંડી બ્રાહ્મણોને રાહત પેકેજ આપવા અંગે વિચારણા કરવાની તૈયારી કરી હોવાના સંકેત છે.રાજય સરકાર દ્વારા આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ મારફત તમામ જીલ્લા કલેકટરોને તેમના જીલ્લામાં આ પ્રકારના પુજારીઓ કર્મકાંડ પર નભતા બ્રાહ્મણો જે આ સહાય મેળવવાપાત્ર હોય તેમની તાલુકાવાઈઝ યાદી તૈયાર કરીને મોકલવા જણાવાયુ છે અને બાદમાં સરકાર તેના પર નિર્ણય લેશે.