– એનાં સ્વજનો પાસે 10 લાખની ખંડણી માગી
નવી દિલ્હી તા. 28 સપ્ટેંબર 2020 સોમવાર
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના એક જુનિયર વિજ્ઞાનીને હની ટ્રેપમાં સંડોવીને એના કુટુંબીજનો પાસે દસ લાખ રૂપિયાની ખંડણી માગવાના કૌભાંડમાં પોલીસે બે યુવતી સહિત ત્રણની ધરપકડ કરી હતી.ઉત્તર પ્રદેશમાં અપરાધખોરી ઘટવાનું નામ લેતી નથી.આ કિસ્સો દિલ્હી સાથે જોડાયેલા નોઇડા વિસ્તારનો છે.DRDOના એક જુનિયર વિજ્ઞાનીને હની ટ્રેપમાં ફસાવીને શનિવારે સાંજે નોઇડામાં મસાજના નામ પર એક હૉટલમાં એને બોલાવીને એને અટકાવી રાખ્યો હતો.ત્યારબાદ એના પરિવાર પાસે રૂપિયા દસ લાખ માગ્યા હતા અને ધમકી આપી હતી કે પોલીસને ખબર આપશો તો જાનથી હાથ ધોઇ નાખવા પડશે.
DRDOના વિજ્ઞાનીના અપહરણની ફરિયાદથી પોલીસ ખાતામાં ખળભળાટ મચી ગયો હતો.તરત પોલીસ કામે લાગી ગઇ હતી.નોઇડાના પોલીસ કમિશનરની આગેવાની હેઠળ છ ટુકડી બનાવવામાં આવી હતી અને રવિવારે મોડી રાત્રે પોલીસે એ સ્થળે દરોડો પાડ્યો હતો જ્યાં વિજ્ઞાનીને રાખવામાં આવ્યો હતો.વિજ્ઞાનીને કુશળ સ્થિતિમાં મેળવી લઇને બે યુવતી સહતિ ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.આ કૌભાંડમાં સંડોવાયેલા મનાતા અન્ય લોકોને પોલીસ શોધી રહી હતી.
પોલીસે આ કિસ્સાની વિગતો જણાવતાં કહ્યું કે શનિવારની સાંજે એક વ્યક્તિ આ વિજ્ઞાની પાસે આવી અને વિજ્ઞાની એની સાથે એક મસાજ પાર્લરમાં જવા નીકળ્યો. પેલો એને એક હૉટલમાં લઇ ગયો.ત્યાં થોડીવાર પછી ત્રણ ચાર વ્યક્તિ આવી અને પોતે પોલીસ છે એવી ઓળખાણ આપીને વિજ્ઞાની સેક્સ રેકેટ ચલાવી રહ્યો હોવાના આક્ષેપ કરીને એને બંધક બનાવ્યો હતો.એને હૉટલના રૂમમાંજ રાખીને એના પરિવારને ફોન કરવામાં આવ્યો હતો કે તમારો વિજ્ઞાની પુત્ર અમારા કબજામાં છે.જીવતો જોઇતો હોય તો દસ લાખ રૂપિયાની તત્કાળ વ્યવસ્થા કરો.પોલીસને ફરિયાદ કરશો તો દીકરાને જીવતો જોવા નહીં પામો.પોલીસને DRDOના વડા મથકેથી આ ફરિયાદ મળી હતી. પોલીસ તરત કામે લાગી ગઇ હતી.