બાબરી મસ્જીદ ધ્વંસકેસમાં અડવાણી સહિત તમામ આરોપીઓનો છૂટકારો : પૂર્વયોજીત ષડયંત્ર ન હતું

312

લખનૌ,તા. 30 : સમગ્ર દેશના રાજકારણને એક નવો વળાંક આપનાર 1992ના અયોધ્યામાં બાબરી ધ્વંસના કેસમાં આજે ખાસ અદાલતે પૂર્વ ગૃહમંત્રી એલ.કે. અડવાણી તથા કેન્દ્રીય મંત્રી શ્રી મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત તમામ 32 આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.ખાસ અદાલતમાં ન્યાયમૂર્તિ સુરેશ કુમાર યાદવે આજે 12.25 કલાકે તેમનો ચૂકાદો આપ્યો હતો.

સાથે જ જણાવ્યું હતું કે,બાબરી ધ્વંસ એ પૂર્વયોજીત ષડયંત્ર નહોતું એક આકસ્મીક બનેલી ઘટના હતી.અને સમગ્ર ઘટનામાં કોઇ મજબૂત સાક્ષી-પૂરાવા મળતા નથી. શ્રી અડવાણી સહિતનાં છ વરિષ્ઠ નાગરિક આરોપીઓએ તેમના નિવાસેથી આ ચૂકાદો વીડિયો કોન્ફરન્સ મારફત સાંભળ્યો હતો.જ્યારે વિનય કટિયાર સહિતના 26 આરોપીઓ અદાલતમાં હાજર હતાં.

ચુકાદાની સાથે જ અયોધ્યામાં જય શ્રી રામનો નારો ગૂંજી ઉઠ્યો છે.અને દેશભરમાં જબરો ઉલ્લાસ છવાઈ ગયો છે.28 વર્ષથી ચાલતા આ કેસમાં ઉતરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ પણ એક આરોપી હતા.કુલ 49 લોકો સામે કેસ દાખલ કરાયો હતો પરંતુ તેમાં 17ના મૃત્યુ થયા હતા જેથી હાલ 32 લોકો સામે કેસ ચાલ્યો હતો.

સીબીઆઈએ 600થી વધુ મુખ્ય સાક્ષીઓ કર્યા હતા જ્યારે ઘટનાના સાહેદ તરીકે 45,000થી વધુ લોકોને જોડ્યા હતાં. પરંતુ તેમાંથી ફક્ત 350 લોકોએ જ જુબાની આપી હતી.ન્યાયમૂર્તિ શ્રી યાદવે 12.16 કલાકે તેમનો ચૂકાદો વાંચવાનું શરુ કર્યું હતું અને પ્રથમ તબક્કે જ જાહેર કર્યું હતું કે બાબરી ધ્વંસ એ પૂર્વયોજીત ષડયંત્ર નહોતું એક અચાનક અને આકસ્મીક બનેલી ઘટના હતી.આ વાક્ય સાથે જ અદાલતમાં હાજર રહેલા તમામને ચૂકાદોનો સંકેત મળી ગયો હતો.

28 વર્ષ બાદ આવેલા આ ચૂકાદામાંથી હવે અયોધ્યામાં રામ મંદિર વિવાદ સંપૂર્ણ રીતે પૂરો થઇ ગયો છે.અગાઉ સુપ્રિમ કોર્ટે આ વિવાદમાં ટાઈટલ સ્યુટનો કેસ સાંભળ્યો હતો અને અહીં રામમંદિર નિર્માણ માટેની લીલીઝંડી આપી દીધી હતી જે કામગીરી શરુ પણ થઇ ગઇ છે અને આજના ચૂકાદા સાથે હવે અયોધ્યામાં બાબરી મસ્જીદ ધ્વંદનો વિવાદ ખત્મ થયો છે.

કોર્ટે કહ્યું કે અશોક સિંધલ માળખુ સુરક્ષિત રાખવા માગતા હતા.મૂર્તિઓ હોવાથી તેઓ માળખું સુરક્ષિત રાખવા માગતા હતા. એટલે સમાચાર પત્રોમાં લખેલી વાતો સાક્ષી ન માની શકાય. અને કાર સેવકોના બંન્ને હાથ વ્યસ્ત રાખવા જળ-ફૂલ લાવવા કહેવાયું હતું.

વિવાદિત માળખુ તોડવાનો વિવાદ

વિવાદિત માળખું તોડી પાડવા મામલે કુલ 49 આરોપીના નામ ચાર્જશીટમાં છે.જેમાંથી 17 આરોપીઓના મોત થઈ ચૂક્યાં છે.આ કેસમાં 32 આરોપીઓના નિવેદનો પર ચૂકાદો સંભળાવવામાં આવશે.

કોણ-કોણ આરોપી ?

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, સાક્ષી મહારાજ, મહંત નૃત્ય ગોપાલદાસ, સાધ્વી ઋતંભરા અને ચંપતરાય.

ક્યારે શું થયું ?

કેસમાં કુલ 49 લોકોને આરોપી બનાવાયા હતા. 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખું ધ્વસ્ત કરવા બદલ FIR દાખલ થઈ હતી. બાલા સાહેબ ઠાકરે, અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર સહિત 17 આરોપીના નિધન થઈ ચૂક્યા છે. 32 આરોપીઓના નિવેદન પર ચુકાદો આવશે.

6 ડિસેમ્બર 1992ના રોજ શું થયું ?

6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં કારસેવાની મંજૂરી સુપ્રીમ કોર્ટ પાસે માંગવામાં આવી હતી.કહેવાયું હતું કે રામભક્ત ચબૂતરા પર સરયૂનુ જળ એક મુઠ્ઠી માટી ચડાવશે.તત્કાલિન ભાજપ સરકારે કહ્યુ હતું કે કારસેવક માત્ર કારસેવા કરી પાછા ફરશે.પરંતુ લાખોની સંખ્યામાં રામભક્તોએ વિવાદિત માળખાને ધ્વસ્ત કર્યું હતુ. માળખુ ધ્વસ્ત કરાયા બાદ તત્કાલિન કલ્યાણ સિંહ સરકારે રાજીનામું આપ્યું હતુ.સરકારે વિવાદિત માળખુ ધ્વસ્ત કરવાને લઈને તપાસના આદેશ આપ્યાં હતા.પહેલાં CB-CIDએ તપાસ કરી, પછી CBIને તપાસ સોંપવામાં આવી હતી.

Share Now