શનિવારે દુનિયાની સૌથી લાંબી અટલ ટનલનું ઉદઘાટન કરશે PM, 10 વર્ષ લાગ્યા બનવામાં

419

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 ઓક્ટોબર, 2020ના રોજ સવારે 10 વાગે રોહતાંગમાં અટલ ટનલનું ઉદ્ઘાટન કરશે.અટલ ટનલ દુનિયામાં સૌથી લાંબી હાઇવે ટનલ છે. 9.02 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ ટનલ મનાલીને આખું વર્ષ લાહૌલ-સ્પિતિ ઘાટી સાથે જોડી રાખશે.અગાઉ આ ઘાટી ભારે હિમવર્ષાને કારણે દર વર્ષે આશરે 6 મહિના સુધી દેશના બાકીના વિસ્તારોથી સંપર્કવિહોણી થઈ જતી હતી કે વિખૂટી પડી જતી હતી.

આ ટનલનું નિર્માણ હિમાલયની પીરપંજાલ પર્વતમાળામાં અત્યાધુનિક ખાસિયતો સાથે થયું છે,જે દરિયાની સરેરાશ સપાટી (એમએસએલ)થી 3,000 મીટર (10,000 ફીટ)ની ઊંચાઈ પર સ્થિત છે.

આ ટનલથી મનાલી અને લેહ વચ્ચે 46 કિલોમીટરનું અંતર ઘટશે તથા પ્રવાસનો સમય આશરે 4થી 5 કલાક ઓછો થઈ જશે.
જ્યારે અટલ ટનલની સાઉથ પોર્ટલ (એસપી) 3060 મીટરની ઊંચાઈ પર મનાલીથી 26 કિલોમીટરના અંતરે સ્થિત છે,ત્યારે નોર્થ પોર્ટલ (એનપી) 3071 મીટરની ઊંચાઈ પર લાહૌલ ઘાટીમાં સિસ્સુમાં તેલિંગ ગામ નજીક સ્થિત છે.

આ ટનલ ઘોડાના પગની નાળ જેવો આકાર ધરાવે છે.આ સિંગલ ટ્યુબ ડબલ લેન ટનલ 8 મીટરનો માર્ગ ધરાવે છે.એ 5.525 મીટરનું ઓવરહેડ ક્લીઅરન્સ ધરાવે છે.આ ટનલ 10.5 મીટર પહોળી અને ઇમરજન્સી કે કટોકટીની સ્થિતિમાં 3.6 x 2.25 મીટરનો નીકળવાનો માર્ગ ધરાવે છે,જે મુખ્ય ટનલની અંદર જ બનાવવામાં આવ્યો છે.અટલ ટનલમાંથી કલાકદીઠ મહત્તમ 80 કિલોમીટરની ઝડપે દરરોજ 3000 કાર અને 1500 ટ્રક પસાર થઈ શકશે.

આ ટનલ અત્યાધુનિક ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ ધરાવે છે,જેમાં સેમી ટ્રાન્સવર્સ વેન્ટિલેશન સિસ્ટમ, SCADA કન્ટ્રોલ ફાયરફાઇટિંગ, ઇલ્યુમિનેશન અને મોનિટરિંગ સિસ્ટમ સામેલ છે.

ટનલ એની અંદર સલામતીની પુષ્કળ સુવિધાઓ ધરાવે છે.સલામતીની કેટલીક ખાસિયતો આ મુજબ છેઃ

(a) બંને પોર્ટલ કે છેડા પર ટનલમાં પ્રવેશ પર બેરીયર.

(b) ઇમરજન્સી કમ્યુનિકેશન (કટોકટીમાં સંપર્ક સાધવા) દર 150 મીટર પર ટેલીફોન જોડાણ.

(c) દર 60 મીટરે ફાયર હાઇડ્રન્ટ મિકેનિઝમ.

(d) દર 250 મીટર પર સીસીટીવી કેમેરાઓ સાથે ઓટો ઇન્સિડેન્ટ ડિટેક્શન સિસ્ટમ.

(e) દર 1 કિલોમીટર પર એર ક્વોલિટી મોનિટરિંગ.

(f) દર 25 મિનિટે બહાર નીકળવા માટે લાઇટિંગ/એક્ઝિટ સાઇન.

(g) ટનલમાંથી પ્રસારણની વ્યવસ્થા.

(h) દર 50 મીટર પર ફાયર રેટેડ ડેમ્પર્સ.

(i) દર 60 મીટર પર કેમેરા.

રોહતાંગ પાસ નીચે વ્યૂહાત્મક ટનલ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય 03 જૂન, 2000ના રોજ તત્કાલિન પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીએ લીધો હતો. ત્યારબાદ ટનલના સાઉથ પોર્ટલને જોડતા એક્સેસ રોડ માટે શિલારોપણ 26 મે, 2002ના રોજ થયું હતું.

સરહદ માર્ગ સંસ્થા (બીઆરઓ)એ મુખ્ય ભૂસ્તરીય, ભૌગોલિક અને હવામાન સંબંધિત પડકારોનો સફળતાપૂર્વક સામનો કરીને આ ટનલનું નિર્માણ કરવા માટે રાતદિવસ કામ કર્યું હતું.આ પડકારોમાં મુખ્ય પડકાર 587 મીટરની લંબાઈ ધરાવતો સેરી નાલાહ ફોલ્ટ ઝોન હતો.બંને છેડે સફળતા 15 ઓક્ટોબર, 2017ના રોજ મળી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 24 ડિસેમ્બર, 2019ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં રોહતાંગ ટનલને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના દેશના વિકાસમાં આપેલા પ્રદાનને બિરદાવવા માટે અટલ ટનલ નામ આપવાનો નિર્ણય લીધો હતો.

મનાલીમાં સાઉથ પોર્ટલ પર અટલ ટનલના ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યાં પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાહૌલ સ્પિતિ અને સોલાંગ ઘાટીમાં જાહેર કાર્યક્રમોમાં સહભાગી થશે.

Share Now