તાપી : તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાના પાનવાડી ખાતે આદિવાસી મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુથી વન વિભાગની કેમ્પા યોજના વર્ષ ૨૦૧૯-૨૦ અંતર્ગત અંદાજે રૂપિયા ૫૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલ આદિજાતી ગ્રામ્ય બજાર “વનશ્રી રેસ્ટોરન્ટ” નું આજે કલેક્ટર આર.જે. હાલાણી અને જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે કલેક્ટરે વન વિભાગને તાપી જિલ્લામાં નવા પ્રક્લ્પની શરૂઆત કરવા બદલ અભિનંદન પાઠવીને જણાવ્યુ હતુ કે,જિલ્લાના અન્ય વિસ્તારોમાં જેવા કે સોનગઢ અને ઉકાઈ ખાતે પણ આવા કેન્દ્રો બનાવવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ આદિજાતીના લોકો માટે સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉભી થશે.વધુમાં આગામી દિવસોમાં તાપી જિલ્લો પ્રવાસન ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં અગ્રેસર બનશે અને જિલ્લાના આદિવાસી કલ્ચરને ગુજરાતમાં આગવુ સ્થાન મળશે એવી આશા વ્યક્ત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી નેહા સિંઘે પ્રેરક પ્રવચન કરતા જણાવ્યું હતુ કે,રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણની દિશામાં વિશેષ કાળજી રાખીને અનેક મહિલા કલ્યાણ યોજનાઓનું સઘન અમલીકરણ કર્યુ છે.ત્યારે મહિલાઓએ પણ જાગૃત બની સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લઈને પોતાની સાથે પરિવાર અને સમાજને વિકાસની દિશામાં આગળ લઈ જવાના પ્રયત્નો કરવા જોઈએ.તેમણે તાપી જિલ્લામાં આદિજાતી મહિલાઓના સર્વાંગી વિકાસ માટે અમલી વિવિધ યોજનાઓની જાણકારી આપી ખાસ કરીને મિશન મંગલમ કાર્યક્રમ અંતર્ગત સ્વસહાય જુથની બહેનોએ દરેક ક્ષેત્રે આગવુ સ્થાન મેળવી ઉત્તરોતર પ્રગતિ કરે તેવા પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.કાર્યક્રમની શરૂઆતમાં નાયબ વનસંરક્ષક આનંદકુમારે સ્વાગત પ્રવચન કરતા તાપી જિલ્લામાં પ્રવાસન પ્રવૃતિના વિકાસ માટે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની જણકારી આપી હતી.કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે નાયબ વનસંરક્ષક સચીન ગુપ્તા,ગોવિંદ સરવૈયા વનવિભાગ તથા મિશન મંગલમના કર્મચારીઓ,સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આર.એફ.ઓ. રઘુવીરસિંહ કોસાડાએ કર્યુ હતુ.