
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને વહીવટીતંત્ર પર આરોપ મૂક્યો છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ ભંગના આરોપ હેઠળ સરકાર ખોટા વહીવટી ચાર્જ ઉઘરાવી રહી છે.ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ કહ્યું, “મહામારીને કારણે પહેલાંથી જ વેપારીઓ નાણાંકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે.માગ પર મોટી અસર પડી છે અને કમાણી પણ નીચી ગઈ છે.વેપારીઓ અને કોમર્શિયલ મિલકતો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન થાય તે માટે મોટા પ્રમાણમાં કામ કરી રહી છે પરંતુ જો લોકો ન માને તો તેમને દંડ થવો જોઈએ.જે દંડની રકમ છે તે વહીવટી ચાર્જ તરીકે લેવામાં આવે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં લેવાતા દંડને કારણે લોકોનાં ખિસ્સા પર તેની અસર પડે છે.”
તન્ના વધારેમાં કહે છે, “દંડની રકમને કાયદા પ્રમાણે ફિક્સ કરવાની જરૂરિયાત છે અને કોઈ પણ વ્યક્તિ મનસ્વી રીતે ગમે તેને દંડ ન કરી શકે.”
જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે ઍપિડેમિક ડિસિઝ ઍક્ટ, હેઠળ મ્યુનિસિપલ કૉર્પોરેશનને કોરોના વાઇરસના નિયમો તોડવા બદલ દંડ ઉઘરાવવાની પરવાનગી આપવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું, “વહીવટી ચાર્જ ઉઘરાવવાની વાત અનેક કમિટી દ્વારા કરવામાં આવી છે અને તેને અનેક કમિટી દ્વારા પરવાનગી પણ આપવામાં આવી છે.”