કોરોના વચ્ચે સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, કેસ ગત વર્ષ કરતાં ઓછા હોવાનો આરોગ્ય વિભાગનો દાવો

278

કોરોનાના આતંક વચ્ચે સુરત શહેરમાં ડેન્ગ્યુ અને ચિકુન ગુનિયા, મેલેરિયાના કેસો વધી રહ્યા છે.મનપાનો મોટા ભાગનો સ્ટાફ કોવિડ 19 ની કામગીરીમા વ્યસ્ત હોય આ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને નાથવા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ ઉણુ ઉતર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

આ વર્ષે સુરતમાં ધોધમાર વરસાદને કારણે ચોમાસુ લાંબુ પણ રહ્યું હતું એટલું જ નહિ ઠેર ઠેર પાણીના ભરાવાની પણ સ્થિતિ જોવા મળી હતી.જેના કારણે પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે.કોર્પોરેશને દાવો કર્યો છે કે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા બંનેમાં ઘટાડો નોંધાયો છે.ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના 520 જયારે આ વર્ષે 100 કેસ નોંધાયા છે.તે જ પ્રમાણે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 50 કેસ હતા તે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ફક્ત 30 જેટલા જ નોંધાયા છે.

જોકે કોર્પોરેશનના આ આંકડા વાસ્તવિકતાથી અલગ હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.સુરતના પુણા ગામ,લંબે હનુમાન રોડ, વરાછા સહિતના વિસ્તારોમાં આ રોગચાળાએ માઝા મૂકી છે. છેલ્લા દોઢ મહિનાનો સર્વે કરાવવા માટે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પણ લખ્યો છે અને સાચા આંકડા બહાર પાડી લોકો સુધી સાચી માહિતી આપવા અપીલ કરી છે.

Share Now