નવી દિલ્હી : નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને અટલ પેન્શન યોજના (APY)ની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) 5 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી છે, આ માહિતી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના અધ્યક્ષ સુપ્રિમ બંદોપાધ્યાયે આપી હતી. 12 સપ્ટેમ્બર સુધીમાં બંને યોજનાઓની કુલ AUM રૂ.4.93 લાખ કરોડ હતી.
PFRDAના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં NPS ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે. આ યોજનામાં સરકારી ક્ષેત્રના 70.40 લાખ કર્મચારીઓ અને બિન-સરકારી ક્ષેત્રના 24.24 લાખ કર્મચારીઓ જોડાયા છે.
રોના મહામારીને ધ્યાનમાં રાખીને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (PFRDA)એ નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ એકાઉન્ટ ખોલવા,પૈસા ઉપાડવા અને એકાઉન્ટ બંધ કરવા સહિતના અન્ય કાર્યો માટે વિડિઓ આધારિત કસ્ટમર આઈડેન્ટિટી પ્રોસેસ (Video KYC)ની પરવાનગી આપી દીધી છે.
જો કોઈ નેશનલ પેન્શન સિસ્ટમના ગ્રાહક પોતાના એકાઉન્ટમાં નોમિની બદલવા ઈચ્છે છે,તો તેઓ હવે આ કામ ઓનલાઇન કરી શકશે.આ માટે ફિજિકલ નોમિનેશન ફોર્મ સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. PFRDAએ નોંધણીમાં ફેરફાર માટે ઈ-સાઇન આધારિત ઓનલાઇન સુવિધા શરૂ કરી છે.