એક હૅકિંગ ગ્રુપે ચોરી કરેલા પૈસાને દાનમાં આપ્યા છે જે સાયબર-ક્રાઇમની રહસ્યમય ઘટના બની છે.આ ઘટનાએ નિષ્ણાતોને મૂંઝવણમાં મૂક્યા છે.ડાર્કસાઇડના હૅકર્સનો દાવો છે કે તેમણે કંપનીઓ પાસેથી જબરદસ્તી મિલિયન ડૉલર્સ ખંડણીમાં ઉઘરાવ્યા છે, પરંતુ તે હવે કહી રહ્યા છે કે “દુનિયાને સારી જગ્યા બનાવવા માગે છે.”
ડાર્કવેબ પર મૂકેલી પોસ્ટમાં,ગૅંગે બે સંસ્થાઓને આપેલાં 10 હજાર ડૉલરના બિટકોઈનની રસીદ મૂકી હતી.તેમાંથી એક સંસ્થા ચિલ્ડ્રન ઇન્ટરનેશનલે કહ્યું કે તેઓ આ રૂપિયા નહીં સ્વીકારે.આ પગલાંને નૈતિક અને કાયદાકીય એમ બંને રીતે એક વિચિત્ર અને પરેશાન કરનાર બાબત તરીકે જોવામાં આવે છે.
13 ઑક્ટોબરે લખેલા બ્લૉગપોસ્ટમાં હૅકર્સે દાવો કર્યો હતો કે તેઓનો ટાર્ગેટ માત્ર નફો કરતી મોટી કંપનીઓ જ હોય છે. જેમને પોતાના રૅન્સમવૅર વાઇરસ ઍટેકથી પરેશાન કરે છે.
હૅકરે દાન કરી કરરાહતની રસીદ પણ મેળવી
આ હુમલા દરમિયાન કંપની ખંડણી ન ચૂકવે ત્યાં સુધી હૅકર્સ તેમની આઈટી સિસ્ટમોને બાનમાં લઈ છે.તેમણે લખ્યું છે, “જે કંપનીઓ અમને ખંડણી ચૂકવે છે તેમાંથી અમુક રૂપિયા ચૅરિટીમાં જાય એ વાજબી છે.”
“અમારું કામ તમને કેટલું ખરાબ લાગે છે તે વિશે અમને કોઈ ચિંતા નથી, અમને એ જાણીને આનંદ થાય છે કે અમે કોઈનું જીવન બદલવામાં મદદ કરી.આજે અમે પ્રથમ દાન કર્યું.”
સાયબર-ગુનેગારોએ જે દાન આપ્યું હતું તેની વિગત સાથે તેમણે રસીદ પણ પોસ્ટ કરી છે.તેમણે ધ વૉટર પ્રૉજેક્ટ અને ચિલ્ડ્રન ઇન્ટરનેશનલને દાન આપ્યું છે.
ચિલ્ડ્રન ઇન્ટરનેશનલ બાળકો, પરિવાર અને સમાજને મદદ કરવાનું કામ કરે છે. આ સંસ્થા ભારત, ફિલિપાઇન્સ, કોલંબિયા, ઇક્વેડોર, ઝામિબિયા, ધ ડૉમેનિક રિપબ્લિક, ગ્યૂટેમાલા, હૉંડરુસ, મેક્સિકો અને અમેરિકામાં કામ કરે છે.
ચિલ્ડ્રન ઇન્ટરનેશનલના પ્રવક્તાએ બીબીસીને કહ્યું, “જો દાન હૅકર સાથે જોડાયેલું હશે, તો તેને રાખવાનો કોઈ ઇરાદો નથી.”
ધ વૉટર પ્રૉજેક્ટ સંસ્થા આફ્રિકાના સબ-સહરામાં લોકોને ચોખ્ખું પાણી પીવા મળે તે માટે કામ કરે છે. તેમણે હજી સુધીમાં કોઈ જવાબ આપ્યો નથી.
હીરો બનવાની કોશિશ
સાયબર-સિક્યૉરિટી કંપની એમ્સિસોફ્ટના થ્રેટ ઍનાલિસીસ બ્રેટ કૅલ્લોવ કહે છે, “ગુનેગારો આ પ્રકારે દાન આપીને શું મેળવવા માગે છે તે કાંઈ સમજાતું નથી. તેઓ પોતાના અપરાધભાવને ઓછો કરવા માગતા હોય અથવા તેઓ પોતાના કામની નૈતિકતાનું ભાન રાખ્યા વિના ખંડણી ઉઘરાવવા છત્તાં પોતાની જાતને રૉબિન હૂડ તરીકે સ્થાપિત કરવા માગતા હોય તેવું પણ બની શકે છે.”
“તેમની પ્રેરણા ગમે તેવી હોય, તે ચોક્કસપણે ખૂબ જ અસામાન્ય પગલું છે અને જ્યાં સુધી હું જાણું છું, પહેલી વાર કોઈ ખંડણીખોર જૂથે તેમના નફાનો એક ભાગ દાનમાં આપ્યો છે.”
ડાર્કસાઇડ હૅકર નામનું ગ્રુપ સામાન્ય રીતે નવું છે, ક્રિપ્ટો કરન્સીના માર્કેટના વિશ્લેષકોનું કહેવું છે કે આ લોકો પીડિતો પાસેથી ખંડણી ઉઘરાવી રહ્યા છે.તેમની પાસે પુરાવાઓ પણ છે કે તેમણે અનેક હાઇપ્રોફાઇલ કંપનીઓ પર સાયબર હુમલાઓ કર્યા છે. જેમાં ટ્રાવેલેક્ષ કંપનીનો સમાવેશ થાય છે.
હૅકરે દાન કરી કરરાહતની રસીદ પણ મેળવી
જે પ્રકારે હૅકર્સે સંસ્થાઓને પૈસા આપ્યા છે તે કાયદાના અમલ માટે ચિંતાજનક બાબત છે.
સાયબર ગુનેગારો દ્વારા અમેરિકા સ્થિત ગિવિંગ બ્લૉક નામની કંપનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નો ઉપયોગ દુનિયાના 67 વિવિધ એનજીઓ દ્વારા કરવામાં આવે છે, સેવ ધ ચિલ્ડ્રન, રેઇનફૉરેસ્ટ ફાઉન્ડેશન અને શી’સ ધ ફર્સ્ટ આનો ઉપયોગ કરે છે.
ધ ગિવિંગ બ્લૉક પોતાના વિશે ઑનલાઈન લખે છે, “ક્રિપ્ટોકરન્સીમાં દાન સ્વીકારવા માટેનો એકમાત્ર બિન-નફાકારક વિશિષ્ટ ઉપાય”
ધ ગિવિંગ બ્લૉકે બીબીસીને કહ્યું કે, તેમને ખ્યાલ નથી કે આ પ્રકારનું દાન સાયબર ગુનેગારોએ કર્યું છે. તેમણે કહ્યું, “અમે હજી પણ એ નક્કી કરવા મથી રહ્યાં છીએ કે શું આ ભંડોળ ખરેખર ચોરી કરવામાં આવ્યું હતું”
દાન પરત આપશે?
“આ દાન ચોરેલા પૈસામાંથી કરવામાં આવ્યું હતું એવું જો બહાર આવશે તો અમે ચોક્કસપણે તેને તેના યોગ્ય માલિકને પરત આપવાનું કામ શરૂ કરીશું”
જોકે, કંપનીએ સ્પષ્ટતા નહોતી કરી કે કંપની કોને પૈસા પરત આપશે? સાયબર ગુનેગાર જેમણે પૈસા ચોર્યા હતા, ગુનાનો ભોગ બનેલા પીડિતને? તેમણે એ પણ સ્પષ્ટતા નહોતી કરે કે કેવી રીતે પરત કરશે.
જોકે, ગિવિંગ બ્લૉકે તેમના દ્વારા દાતાઓ પાસેથી કરવામાં એકઠી આવતી માહિતી વિશે વિગતો આપી ન હતી. મોટા ભાગની સેવાઓ કે જે બિટકોઇન જેવા ડિજિટલ સિક્કા ખરીદે છે અને વેચે છે તે વપરાશકર્તાઓની ઓળખ ચકાસવા માટે જરૂરી છે, પરંતુ તે અહીં કરવામાં આવ્યું છે કે કેમ તે સ્પષ્ટ નથી.
એક પ્રયોગ તરીકે બીબીસીએ ગિવિંગ બ્લૉકની ઑનલાઇન સિસ્ટમમાંથી દાન આપવાનું નક્કી કર્યું ત્યારે તેની કોઈપણ પ્રકારની ચકાસણીના પ્રશ્નો પુછવામાં આવ્યા ન હતા.
નિષ્ણાતો કહે છે કે આ કેસ નનામી દાન જટિલતા અને જોખમોને દર્શાવે છે.
ચેઇનાલિસિસ સંસ્થાના ક્રિપ્ટો-કરન્સી તપાસકર્તા ફિલિપ ગ્રાડવેલે કહ્યું: “જો તમે કોઈ અનામી માસ્ક રાખીને ચૅરિટીની દુકાનમાં ગયા અને 10,000 ડૉલર રોકડમાં આપ્યા, તો પછી કરપાત્ર રસીદ માટે પૂછ્યું, તો સંભવત પ્રશ્નો પૂછવા જોઈએ.
“એ સાચી વાત છે કે સંશોધનકર્તા અને કાયદાનો અમલ કરાવતા ક્રિપ્ટો કરન્સીના ભંડોળને ટ્રેસ કરવામાં પારંગત બન્યા છે, કારણ કે તેઓ વૉલેટથી વૉલેટમાં ફરતાં હોય છે. પરંતુ ખરેખર દરેક વૉલેટનો માલિક કોણ છે તે શોધવું જટિલ છે.”
“સંભવિત ગેરકાયદે સ્રોત દ્વારા અનામી દાનની મંજૂરી આપવી તે પૈસાની અવૈદ્ય હેરાફેરીનું જોખમ વધારે છે.”