– સુમૈયા કહે છે કે જરૂર પડ્યે અમે આંદોલન કરીશું
કોલકાતા તા.20 : હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે બધાંને એક પ્રકારની રાહતની જરૂર છે.હાલના સંજોગોમાં અમે કોઇ પણ રીતે CAA અને NRCનો અમલ સરકારને કરવા નહીં દઇએ એવો હુંકાર શાયર મુનવ્વર રાણાની પુત્રી સુમૈયાએ કર્યો હતો.
આજે સવારે નોર્થ કોલકાતામાં એક સોશ્યલ ગ્રુપને સંબોધતાં ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું હતું કે કોરોનાના કારણે CAA નો કાયદો ઘડવામાં અને એના અમલમાં વિલંબ થયો હતો.પરંતુ હવે ઝડપભેર કાયદો રચીને અમે તેનો અમલ શરૂ કરીશું.એના પ્રતિભાવ રૂપે સુમૈયા બોલી રહી હતી.તેણે કહ્યું કે ભાજપના નેતાઓ એવો પ્રચાર કરી રહ્યા છે કે કોરોના ખતમ થવા આવ્યો છે અને હવે અમે CAA અને NRCનો અમલ કરવાના છીએ.એ ભાજપી નેતાઓને મારે કહેવું છે કે અમે CAA અને NRCનો અમલ થવા નહીં દઇએ.અમે એની સામે જોરદાર આંદોલન કરીશું.
સુમૈયાએ એવો દાવો કર્યો હતો કે સરકાર કોરોનાની બીમારી સામે લોકોને રાહત અને સારવા આપી શકે એટલા માટે અમે CAA અને NRC વિરુદ્ધના આંદોલનને મોકૂફ રાખ્યું હતું. અમે એ આંદોલન ગમે ત્યારે ફરી શરૂ કરી શકીએ એમ છીએ.હવે અમને સમજાઇ ગયું છે કે એનડીએ સરકાર પાસે હિન્દુ-મુસ્લિમ અને મંદિર-મસ્જિદ સિવાય બીજું કશું રહ્યું નથી.મને ખાતરી છે કે અમે CAA અને NRC વિરુદ્ધ આંદોલન શરૂ કરીએ એટલે તરત મોટી સંખ્યામાં લોકો એમાં જોડાઇ જશે.