તમે દેશ ની રક્ષા કરો, તમારા પરિવાર ની સુરક્ષા સરકાર કરશે : અમિત શાહ

281

નવી દિલ્હી, 21 ઓક્ટોબર : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ કર્મચારીઓને સંબોધતા કહ્યું છે કે, ‘તમે દેશની સંભાળ રાખો,તમારા પરિવારની સુરક્ષા કરવાની સરકારની જવાબદારી છે, અને તે તેમનુ રક્ષણ કરશે.’ તેમણે કહ્યુ કે, ‘ટૂંક સમયમાં પોલીસ ક્ષેત્રે ઘણા મોટા પરિવર્તન આવશે,જે તમામ દળો માટે ફાયદાકારક રહેશે.’

કેન્દ્રીય ગૃહમંત્રીએ બુધવારે પોલીસ સ્મારક દિન પર આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતુ.આ પ્રસંગે દિલ્હી સ્થિત પોલીસ મેમોરિયલ ખાતે પરેડનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.અહીં કેન્દ્રીય ગૃહમંત્રીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પોલીસ પરેડને સંબોધન કરતાં શાહે કહ્યુ કે, ‘પોલીસ કર્મીઓએ દેશની સુરક્ષા માટે બલિદાન આપ્યુ છે,અને તેમના બલિદાનને કારણે,આજે દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે.’

શાહે કહ્યુ કે,’ જ્યારે દેશના લોકો તેમના તહેવારોની ઉજવણી કરે છે, ત્યારે પોલીસકર્મીઓ તેમના પરિવારથી દૂર ફરજ બજાવી રહ્યા છે.’ તેમણે જણાવ્યુ હતુ કે, ‘આ વર્ષે ફરજ દરમિયાન 260 પોલીસ જવાન શહીદ થયા છે.આજે સ્મારક દ્વારા નવી પેઢી ને પોલીસના બલિદાન વિશે જાણવા મળી રહ્યુ છે.’

ગૃહ પ્રધાને કહ્યુ કે, ‘કોરોના રોગચાળાને કારણે, દેશમાં લાગુ લોકડાઉનને સફળ બનાવવામાં પોલીસની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહી છે.આ સમય દરમિયાન 343 પોલીસકર્મીઓ પણ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.’

શાહે કહ્યુ કે, ‘પોલીસ માટે પડકારો સતત વધી રહ્યા છે, સમાજમાં આતંકવાદ, નકલી ચલણ, ડ્રગ્સ, મહિલાઓ સામેના ગુના સહિત અનેક પડકારો આવી રહ્યા છે, જેનો સામનો કરવો પડે છે.’ તેમણે કહ્યુ કે,’ ટૂંક સમયમાં પોલીસ ક્ષેત્રે ટેક્નોલોજી વધારવામાં આવશે. આ સાથે, બાળકોને 12 મા ધોરણ પછી સલામતી વિશેની માહિતી આપવામાં આવશે.’

આ કાર્યક્રમમાં ગૃહ સચિવ અજય ભલ્લા,રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ,અને સીબીઆઈ ચીફ સહિત તમામ દળોના મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

Share Now