ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના ઈસ્લામીક કટ્ટરવાદ પર નિવેદનને લઈને મુસ્લીમ દેશોમાં સનસનાટી મચી જવા પામી છે.કેટલાક દેશો દ્વારા મેક્રોન પર અંગત પ્રહારો કરવામાં આવી રહ્યાં છે.મેક્રોન પર આ પ્રકારના વલણની ભારતે (India) આકરી ટીકા કરી છે.ભારતે ફ્રાન્સને ખુલ્લેઆમ સમર્થન જાહેર કરતા મેક્રોન વિરુદ્ધ પર્સનલ એટેકને આંતરરાષ્ટ્રીય વિમર્શના સૌથી બેઝિક સ્ટાન્ડર્ડ્સનો ભંગ ગણાવ્યો છે.
ભારત તરફથી મળેલા અપાર સમર્થન પર ફ્રાન્સે પણ ભારતનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે,બંને દેશ આતંકવાદની લડાઈમાં એકબીજા પર વિશ્વાસ ધરાવે છે છે. ટ્વિટર (Twitter) પર #India Stands With France ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
ભારતીય વિદેશ મંત્રાલયે આકરા શબ્દોમાં બહાર પાડેલા એક નિવેદનમાં બર્બર આતંકવાદી હુમલાની ટીકા પણ કરી હતી.જેમાં ફ્રાન્સના એક શિક્ષકની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી.મંત્રાલયે કહ્યું હતું કે,આતંકવાદને કોઈ પણ કારણે અને કોઈ પણ પરિસ્થિતિમાં યોગ્ય ઠેરવી શકાય નહી.અમે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પર અયોગ્ય ભાષામાં કરાયેલા વ્યક્તિગત હુમલાની આકરી ટીકા કરીએ છીએ.આ આંતરરાષ્ટ્રીય વિમર્શના સૌથી બેઝિક સ્ટાન્ડર્ડ્સનો ભંગ છે.
ફ્રાંસના શિક્ષકની હત્યા
મંત્રાલયે નિવેદનમાં કહ્યું હતું કે, અમે બર્બર આતંકવાદી હુમલામાં ફ્રાન્સના એક શિક્ષકની નિર્દયતાપૂર્વક હત્યાની પણ ટીકા કરીએ છીએ.જેણે દુનિયા આખીને સ્તબ્ધ કરી દીધી.અમે તેમના પરિવાર અને ફ્રાન્સના લોકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીએ છીએ.વિદેશ મંત્રાલયના નિવેદન બાદ ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઈમેન્યુઅલ લિનેને ટ્વીટ કરીને ભારતનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે બંને દેશ આતંકવાદ વિરુદ્ધ જંગમાં એકબીજાનો સહયોગ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે,ઈસ્લામી કટ્ટરપંથ પર આકરા વલણ અને પયગંબર મોહમ્મદના કાર્ટુનનો બચાવ કરવાને લઈને મેક્રોન મુસ્લિમ બહુમતીવાળા દેશોની ટીકાનો ભોગ બન્યા છે. ઈરાનીના મીડિયામાં મેક્રોનને રાક્ષસ તરીકે દેખાડવામાં આવ્યા હતાં.તેમના પણ કાર્ટુન છાપવામાં આવ્યા હતાં જેમાં તેમના લાંબા કાન,પીળી આંખો અને અણિયાળા દાંત છે.ઈરાનના વતન એમરોઝમાં કહેવામાં આવ્યું હતું કે,મેક્રોને દુનિયાભરના મુસ્લિમોને નારાજ કર્યા છે.