જાણીતા પત્રકાર અર્ણવ ગોસ્વામીની મહારાષ્ટ્ર પોલીસે એક આત્મહત્યાના કેસમાં કથિત સંડોવણીના આરોપસર ધરપકડ કરી છે ત્યારે સોશિયલ મીડિયામાં પ્રેસની આઝાદીનો મુદ્દો છવાયો છે.મહારાષ્ટ્ર સરકાર અર્ણવ ગોસ્વામીની ધરપકડને કાયદાનુસાર કાર્યવાહી ગણાવે છે જ્યારે વિપક્ષ ભાજપ સહિત આને સરકારની કિન્નાખોરી અને પ્રેસની આઝાદી સામેનું પગલું ગણાવે છે. એડિટર્સ ગિલ્ડે પણ આ મામલે સરકારની ટીકા કરી છે.જોકે, પ્રેસની આઝાદીને લઈને તાજેતરમાં સૌથી વધારે વિવાદ ભારતના સૌથી મોટાં રાજ્ય ઉત્તર પ્રદેશમાં સામે આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં ગત એક વર્ષમાં ઓછામાં ઓછા 15 પત્રકારોની સામે સમાચાર લખવાની બાબતમાં કેસ નોંધવામાં આવ્યા છે,જેમાં આઠની એફઆઈઆરની કૉપી બીબીસીની પાસે છે.આવી તાજેતરની છેલ્લી ઘટના હાથરસના કથિત બળાત્કાર અને હત્યા કેસમાં બની હતી જેમાં કેરળના પત્રકાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં શાસન-વહીવટીતંત્રની ટીકા કરવાના અલગ અલગ કેસમાં પત્રકારોની સામે ફરિયાદો નોંધવામાં આવી હતી,અનેક પત્રકારોની ધરપકડ થઈ,તેમને થોડાક સમયમાં અટકાયતમાં રાખવામાં આવ્યા અને જામીન પર છોડવામાં આવ્યા.જોકે, અનેક કેસ ચાલુ છે.
ગત 16 ઑક્ટોબરે જનસંદેશ ટાઇમ્સના વરિષ્ઠ પત્રકાર સુરેશ બહાદુરસિંહ અને ધનંજયસિંહની સામે ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી.આ બંને પર આરોપ છે કે તેમણે ગુપ્ત દસ્તાવેજ ખોટી રીતે મેળવ્યા અને તેના આધારે અહેવાલ પ્રકાશિત કર્યો.ક્યારેક પત્રકાર રહી ચૂકેલા અને હવે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર શલભમણિ ત્રિપાઠી કહે છે કે “પત્રકારોને પોતાની જવાબદારીનો અહેસાસ થવો જોઈએ.”
યોગી આદિત્યનાથની સરકારમાં ગત એક વર્ષમાં પત્રકારો પર ચાલેલા કેસ
1. 16 સપ્ટેમ્બર, 2020 સીતાપુરમાં રવીન્દ્ર સક્સેના – ક્વોરૅન્ટિન સેન્ટર પર ખરાબ વ્યવસ્થાના સમાચાર.
સરકારી કામમાં દખલગીરી, આપત્તિ વ્યવસ્થાપન ઉપરાંત એસસી/એસટી ઍક્ટની કલમ હેઠળ કેસ.
2. 19 જૂન, 2020 વારાણસીમાં સુપ્રિયા શર્મા – પીએમ મોદીએ દત્તક લીધેલા ગામ ડોમરીમાં ભૂખ્યા રહેવા મજબૂર થયેલા લોકોના સમાચાર.
એસસી/એસટી ઍક્ટ-1989, કોઈની માનહાનિ કરવા સાથે જોડાયેલી આઈપીસીની કલમ 501 અને મહામારી ફેલાવવામાં કરેલી બેદરકારી સાથે જોડાયેલી આઈપીસીની કલમ 269 હેઠળ કેસ.
3. 31 ઑગસ્ટ, 2019 મિરઝાપુરમાં પંકજ જયસ્વાલ – સરકારી સ્કૂલમાં થયેલી અનિયમિતતા અને મિડ ડે મીલમાં બાળકોને મીઠું અને રોટલીઓ ખવડાવવા સંબંધિત સમાચાર.
હંગામો થયા પછી પંકજ જયસ્વાલનું નામ એફઆઈઆરમાંથી હઠાવ્યું.
4. 10 ડિસેમ્બર, 2019 – આઝમગઢની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે ઝાડું લગાવવાની ઘટનાનું રિપોર્ટિંગ કરનાર છ પત્રકાર સામે એફઆઈઆર, પત્રકાર સંતોષ જયસ્વાલ.
સંતોષ જયસ્વાલની સામે સરકારી કામમાં દખલગીરી કરવાનો અને ગેરકાયદેસર વસૂલાત કરવાનો આરોપ મુકાયો છે.
5. 7 સપ્ટેમ્બર, 2020 – બિજનોરમાં દબંગોના ડરથી વાલ્મીકિ પરિવારના હિજરત કરવા સંબંધિત સમાચારના કેસમાં પત્રકારોની સામે એફઆઈઆર.
પાંચ પત્રકાર આશિષ તોમર, શકીલ અહમલ, લાખન સિંહ, આમિર ખાન તથા મોઈન અહમદની સામે આઈપીસીની કલમ 153A, 268 તથા 505 હેઠળ એફઆઈઆર. કેસમાં ત્રુટિપૂર્ણ વિવેચનાની વાત કહેતાં કોર્ટે કેસ ધ્યાને લેવાનો ઇન્કાર કર્યો.
6. 3 સપ્ટેમ્બર, 2020 લખનઉમાં વરિષ્ઠ પત્રકાર અસદ અલીને એક નોટિસ, એસીએમની કોર્ટમાં હાજરી માટે કહેવામાં આવ્યું, તેમના પર મોહરમ દરમિયાન શાંતિ ભંગ કરવાનો આરોપ.
આ વર્ષે બે ઑક્ટોબરે લખનઉમાં એક પ્રદર્શનને કવર કરતી વખતે તેમને મારવામાં આવ્યા, અસદે ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો,પરંતુ તે નોંધાઈ નહીં.
એક ન્યૂઝ વેબસાઇટના કાર્યકારી સંપાદક સાથે શું થયું?
આ વર્ષે જૂન મહિનામાં લૉકડાઉન દરમિયાન એક ન્યૂઝ વેબસાઇટના કાર્યકારી સંપાદક સુપ્રિયા શર્મા અને વેબસાઇટના મુખ્ય સંપાદકની સામે વારાણસી પોલીસે એક મહિલાની ફરિયાદને આધારે એફઆઈઆર નોંધી.
સુપ્રિયા શર્માએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દત્તક લીધેલા ગામ ડોમરીમાં લૉકડાઉન દરમિયાન લોકોની સ્થિતિ વિશે વાત કરતો એક રિપોર્ટ પોતાની વેબસાઇટમાં પ્રકાશિત કર્યો હતો.આ દરમિયાન તેમણે લોકોનો ઇન્ટરવ્યૂ કર્યો હતો જેમાં માલા દેવી નામના એક મહિલા સામેલ હતાં.
વેબસાઇટ પ્રમાણે,ઇન્ટરવ્યૂ દરમિયાન માલા દેવીએ રિપોર્ટરને કહ્યું હતું કે તે લોકોનાં ઘરોમાં કામ કરે છે અને લૉકડાઉન દરમિયાન તેમની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેમને ખાવાના ફાંફાં પડી ગયાં છે, રિપોર્ટ અનુસાર મહિલાએ રિપોર્ટરને એમ પણ કહ્યું હતું કે તેમની પાસે રૅશનકાર્ડ ન હતું,જેથી તેમને રૅશન ન મળ્યું.જોકે,રિપોર્ટ પ્રકાશિત થયા પછી માલા દેવીએ કહ્યું કે તેમણે રિપોર્ટરને આ વાત કહી ન હતી અને રિપોર્ટરે તેમની ગરીબીની મજાક ઉડાવી છે.
માલા દેવીની ફરિયાદના આધારે વારાણસીમાં રામનગર પોલીસ સ્ટેશનની પોલીસે 13 જૂને પત્રકાર સુપ્રિયા શર્માની સામે એફઆઈઆર નોંધાવી.આ કેસમાં પોલીસે સુપ્રિયા શર્માની સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ- 1989, કોઈની સામે માનહાનિ કરવા સાથે જોડાયેલી આઈપીસીની કલમ 501 અને મહામારીમાં બેદરકારી સાથે જોડાયેલી આઈપીસીની કલમ 269 હેઠળ કેસ કર્યો છે.જોકે એફઆઈઆર છતાં સુપ્રિયા શર્મા પોતાના અહેવાલ પર કાયમ છે અને તેમનો દાવો છે કે તેમને કોઈ પણ વાત તથ્યથી ઉપર જઈને લખી નથી.એફઆઈઆરમાં વેબસાઇટના સંપાદકનું નામ પણ લખવામાં આવ્યું હતું.
સુપ્રિયાએ અલાહાબાદ હાઈકોર્ટમાં એફઆઈઆર રદ્દ કરવાની અપીલ કરી,પરંતુ હાઈકોર્ટે તેમની આ અપીલ રદ્દ કરી દીધી. જોકે, કોર્ટે તેમની ધરપકડ પર પણ ત્યાં સુધી પ્રતિબંધ લગાવ્યો જ્યાં સુધી કે કેસની યોગ્ય તપાસ ન થઈ જાય.
ધ વાયરના સંપાદકની સાથે શું થયું?
આનાથી થોડાક સમય પહેલાં જ વરિષ્ઠ પત્રકાર અને અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ ‘ધ વાયર’ના સંપાદક સિદ્ધાર્થ વર્ધરાજનની સામે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.તેમની પર આરોપ હતો કે તેમણે લૉકડાઉન હોવા છતાં અયોધ્યામાં થનારા એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સામેલ થવાની વાત છાપીને અફવા ફેલાવી.જોકે ‘ધ વાયર’એ જવાબમાં કહ્યું છે કે આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રીનું જવું સાર્વજનિક રેકર્ડ અને જાણકારીનો વિષય છે,એટલા માટે અફવા ફેલાવવા જેવી વાત લાગુ થતી નથી.
રાજ્ય સરકારની આ કાર્યવાહીનો દેશ આખામાં બુદ્ધિજીવીઓએ વિરોધ કર્યો અને આ અંગે એક નિવેદન પણ જાહેર કર્યું,જેમાં અનેક જાણીતા કાયદાશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી,અભિનેતા,કલાકાર અને લેખક હાજર રહ્યા હતા.આ લોકોએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ પ્રેસની આઝાદી પર સીધો હુમલો છે. આ કેસમાં સિદ્ધાર્થ વર્ધરાજનને અગોતરા જામીન મળી ગયા હતા.
કેટલાક અન્ય પત્રકારો પર પણ એફઆઈઆર
પવન જયસ્વાલ
આ પહેલાં પણ ઉત્તર પ્રદેશમાં અનેક સ્થાનિક પત્રકારોની સામે સરકારવિરોધી સમાચાર છાપવાના આરોપ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.લૉકડાઉન દરમિયાન જ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના પત્રકાર અજય ભદોરિયા પર સ્થાનિક વહીવટીતંત્રએ એફઆઈઆર નોંધી હતી.
વહીવટીતંત્રના આ ચુકાદાના વિરોધમાં જિલ્લાના પત્રકારોએ સત્યાગ્રહની શરૂઆત કરી હતી .
ગત વર્ષે મિરઝાપુરમાં મિડ ડે મીલમાં કથિત ગરબડના સમાચાર દેખાડનારા પત્રકાર પર એફઆઈઆર પછી સરકારની આકરી ટીકા થઈ હતી.આ ઘટનાની રસપ્રદ બાબત એ છે કે જિલ્લા ક્લેક્ટરનું એ નિવેદન હતું કે જેમાં તેમણે કહ્યું હતું કે ‘પ્રિન્ટ મીડિયાના પત્રકાર કેવી રીતે વીડિયો બનાવી શકે છે?’ આ કેસમાં પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
શું સમાચાર લખવા બદલ પત્રકારોની સામે કાર્યવાહી થવી જોઈએ?
31 ઑગસ્ટ, 2019ના મિરઝાપુરમાં પંકજ જયસ્વાલની સામે એફઆઈઆર નોંધાઈ.પંકજ જયસ્વાલે સરકારી શાળામાં ફેલાયેલી અનિયમિતતા અને મિડ ડે મીલમાં બાળકોને મીઠું અને રોટી ખવડાવવાને લઈને સમાચાર છાપ્યા હતા.જોકે હંગામો થયા પછી પંકજ જયસ્વાલનું નામ એફઆઈઆરમાંથી હઠાવી દેવામાં આવ્યું અને તેમને આ કેસમાં ક્લીનચિટ આપી દેવામાં આવી.
મિરઝાપુરમાં મિડ ડે મીલમાં કથિત અનિયમિતતાના સમાચાર દેખાડનારા પત્રકારની સામે નોંધાયેલા કેસનો મુદ્દો હાલ પણ ઠંડો પડ્યો નથી. તે સમયે બિજનૌરમાં કથિત રીતે ખોટા સમાચાર દેખાડવાનો આરોપ લગાવીને પાંચ પત્રકારોની સામે એફઆઈઆર નોંધાઈ હતી.ત્યાં જ આઝમગઢમાં એક પત્રકાર પર વહીવટીતંત્રએ ખંડણી માગવાનો આરોપ મૂકીને એફઆઈઆર નોંધાવી અને તેમની ધરપકડ કરી.
બિજનૌરમાં જે પત્રકારોની સામે કેસ નોંધવામાં આવ્યો હતો તે લોકોએ એક રિપોર્ટ છાપ્યો હતો કે એક ગામમાં વાલ્મીકિ પરિવાના લોકોને સાર્વજનિક નળથી પાણી ભરવાથી રોકવામાં આવ્યા હતા.આ કારણે જ વાલ્મીકિ પરિવારે હિજરત કરવાનું મન બનાવી લીધું.વહીવટીતંત્રનો આરોપ હતો કે હિજરતની વાત આ પત્રકારોએ કથિત ઉપજાવી કાઢી હતી.
ઉત્તર પ્રદેશના પત્રકાર
10 સપ્ટેમ્બર, 2019એ આઝમગઢની એક શાળામાં વિદ્યાર્થીઓના ઝાડું મારવાની ઘટનાનું રિપોર્ટિંગ કરનાર છ પત્રકારોની સામે ફરિયાદ નોંધવામાં આવી, જેમાં એક પત્રકાર સંતોષ જયસ્વાલની ધરપકડ કરાઈ.સંતોષ જયસ્વાલની સામે સરકારી કામમાં અડચણ કરવાનો અને ખંડણી મારવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સ્થાનિક સ્તરે ખનન અને અપરાધ જેવા ગંભીર કેસમાં રિપોર્ટિંગ કરનારા પત્રકારોને કથિત રીતે માફિયાના હુમલાઓનો શિકાર તો હંમેશાં બનતા જ હોય છે,પરંતુ જ્યારે નાની-મોટી વાતોમાં વહીવટીતંત્રની પણ નજર વાંકી થવા લાગે તો આ કેસ ઘણો ગંભીર થઈ જાય છે અને પત્રકારોની સામે સુરક્ષાનો સવાલ પણ ઊભો થઈ જાય છે.મહત્ત્વનો સવાલ એ પણ છે કે શું સમાચાર લખવાના આરોપમાં પત્રકારોની સામે એફઆઈઆર અને ધરપકડ જેવી કાર્યવાહી થવી જોઈએ,તે પણ એટલા માટે સરકારની છબી ખરાબ થઈ રહી છે?
મુખ્ય મંત્રીના મીડિયા સલાહકાર શલભમણિ ત્રિપાઠી કહે છે, “વહીવટ અથવા સરકાર જો એફઆઈઆર કરાવી રહી છે તો જરૂર કોઈ ગંભીર વાત થશે અને જો પત્રકાર પોતાની જગ્યા યોગ્ય હશે તો અદાલતમાં આ વાત સાબિત થશે.”
લોકતાંત્રિક મૂલ્યોને નુકસાન
લખનઉમાં વરિષ્ઠ પત્રકાર અને ઇન્ડિયન ફૅડરેશન ઑફ વર્કિંગ જર્નાલિસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ રાવત કહે છે, “પત્રકારનું કામ એવું છે કે કોઈને કોઈ પક્ષને પીડા પહોંચશે, પરંતુ સરકાર પોતાની ટીકા ન સાંભળી શકે,આ સ્થિતિ ગંભીર છે.બની શકે છે કે આની પાછળ સરકારની પ્રચંડ બહુમતી અને અહંકાર હોય પરંતુ આ લોકતાંત્રિક મૂલ્યોને નુકસાન પહોંચાડી રહ્યું છે, એ વાતનો અંદાજ સરકારમાં બેસેલા લોકોને નથી.વહીવટી સ્તરે આવી કાર્યવાહીનો એક જ ઉદ્દેશ છે – પત્રકારને ડરાવવો.”
દિલ્હીસ્થિત રાઇટ ઍન્ડ રિસ્ક્સ ઍનાલિસિસ ગ્રૂપે હાલમાં હેરાન કરવામાં આવેલા 55 પત્રકારોના પુરાવાના ઉદાહરણ એકઠા કર્યા છે જેમને સરકારી નીતિઓની ટીકા અથવા જમીની હકીકત દેખાડવાના કારણે કેસનો સામનો કરવો પડ્યો છે અને ગંભીર કલમો તેમના પર નોંધવામાં આવી છે.એવામાં સૌથી વધારે 11 કેસ ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે.જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 6 અને હિમાચલમાં 5 કેસ નોંધાયા છે.