– આ ચકચારીત ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો : કોરોના રિપોર્ટ આવવામાં વિલંબ થતા 13 આરોપીઓને રાત્રે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કરાયા
સુરત, તા. 5 : સફાઈ કામદારોની બદલીના મુદ્દે કતારગામ ઝોનના આરોગ્ય અધિકારી પર શાહી ફેંકવાના ચકચારીત પ્રકરણમાં ધરપકડ કરાયેલા ૧૪ આરોપીઓ પૈકી એકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે અન્ય 13 ને કોર્ટે જામીનમુક્ત કર્યા હતા.
કોર્ટ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સફાઈ કામદારોના પ્રશ્ને ગત તારીખ ૩/૧૧/૨૦૨૦ ના રોજ બપોરના સમયે કામદાર સંગઠનના નેજા હેઠળ એક ટોળુ કતારગામ ઝોન ઓફીસમાં રજુઆત કરવા ગયુ હતુ. જયાં વાતાવરણ ઉગ્ર થતા ટોળામાંથી જ કિરીટ વાઘેલાએ નાયબ આરોગ્ય અધિકારી કનુભાઈ શ્રોફ (ઉ.વ.૬૦, રહે.અડાજણ) ઉપર શાહી ફેંકી હતી.જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.આ ઘટનામાં કતારગામ પોલીસે સરકારી કર્મચારી પર હુમલો,ફરજમાં રુકાવટ તથા રાયોટીંગનો ગુનો નોંધી ૧૪ જણાની ધરપકડ કરી હતી.
બાદમાં પોલીસે કોવિડ ગાઈડલાઇન મુજબ તમામનો ટેસ્ટ કરાવતા એકનો કોરોનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેથી તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યારે બાકીના ૧૩ આરોપીઓના કોરોના રિપોર્ટમાં મોડું થયું હોય તમામને રાત્રે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ના ઘરે રજૂ કરવામાં આવતા તમામે જામીનની માંગ કરી હતી.જ્યાં બચાવ પક્ષે એડવોકેટ અશ્વિન જોગડિયાએ રજુઆત કરી હતી કે,આરોપીઓ લોકશાહી ઢબે માત્ર રજુઆત કરવા ગયા હતા,શારીરિક હુમલો કરીને ઇજા પહોંચાડવાનો આરોપીઓનો કોઈ ઈરાદો ન હતો.વડી અદાલતનાં સંજય ચંદ્રા વિરુદ્ધ સીબીઆઈ ના ચુકાદા ને ટાંકીને તેમણે ટ્રાઇલ ચાલતા લાંબો સમય નિકળી જાય તેમ હોય આરોપીઓને જામીન આપવા રજુઆત કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી હતી.