તુળજા ભવાની મંદિરના મુદ્દે સાધુઓનું આંદોલન, મહારાષ્ટ્ર રાજ્ય સરકાર અને સાધુઓ વચ્ચે ખેંચતાણ

275

– મંદિરની આસપાસ 144મી કલમ લાગુ પડાઇ

ઉસ્માનાબાદ તા.6 : મહારાષ્ટ્રની કૂળદેવી મનાતાં તુળજા ભવાની મંદિર ખોલવાના મુદ્દે સાધુઓ અને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર વચ્ચે ખેંચતાણ શરૂ થઇ હતી. ઉસ્માનાબાદમાં આવેલા તુળજા ભવાની મંદિરની આસપાસ રાજ્ય સરકારે 144મી કલમ લાગુ પાડી દીધી હતી.

ભાજપની આધ્યાત્મિક સમન્વય સમિતિના અધ્યક્ષ અને સાધુ તુષાર ભોંસલેએ થોડા દિવસ પહેલાં રાજ્ય સરકારને એવી ચેતવણી આપી હતી કે રાજ્યનાં મંદિરો ખોલો અથવા કમ સે કમ મને કૂળદેવી તુળજા ભવાનીના દર્શન કરવા દો.મારી માગણી નહીં સ્વીકારાય તો હું તુળજા ભવાની મંદિરના પ્રાંગણમાં આમરણ ઉપવાસ કરીશ.

મહારાષ્ટ્ર સંત સમાજે પણ રાજ્ય સરકારને ચેતવણી આપી હતી કે ચોવીસ કલાકમાં આ મુદ્દે કોઇ નિર્ણય લો નહીં તો સાધુસંતો આંદોલન કરશે.રાજ્ય સરકારે એવી દલીલ કરી હતી કે મંદિરોમાં ભીડ થવાથી કોરોનાના કેસ બેફામ વધી જવાની શક્યતા હતી.

તુળજા ભવાની મંદિરની આસપાસ 300 મીટર સુધીના વિસ્તારમાં આજે મધરાત સુધી 144મી કમલ લાગુ રહેશે એવું રાજ્ય સરકારના પ્રવક્તાએ કહ્યું હતું.રાજકીય નિષ્ણાતો માને છે કે ભાજપ કોઇ પણ ભોગે રાજ્ય સરકારનું પતન ઇચ્છે છે.થોડા દિવસ પહેલાં રાજ્યપાલ ભગત સિંઘે પણ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો કે શરાબની દુકાનો અને બાર ખોલો છો તો મંદિરો કેમ બંધ છે.શું શિવસેના સેક્યુલર થઇ ગઇ છે.ભગત સિંઘના આ પત્રે હોબાળો સર્જ્યો હતો અને એનસીપીના શરદ પવારે તો વડા પ્રધાનને પત્ર લખીને રાજ્યપાલના વર્તન વિશે ફરિયાદ કરી હતી.

Share Now