આમ તો બે દિવસ પહેલાંના ન્યુઝ છે અને એ પછી આ બાબતમાં કાર્યવાહી કરવા માટે અમેરિકી સેનેટ અત્યારે વિચારણા કરી રહી છે,પણ સૌથી હાસ્યાસ્પદ કહેવાય કે પછી ઘૃણાસ્પદ કૅટેગરીમાં મૂકી શકાય એવા આ સમાચાર છે. ડોનલ્ડ ટ્રમ્પ વાઇટ હાઉસ છોડવા રાજી નથી.તેમણે ના જ પાડી દીધી છે કે પોતે વાઇટ હાઉસ નહીં છોડે. કહો જોઈએ, આ વાત સાંભળ્યા અને વાંચ્યા પછી હસવું કે રડવું જોઈએ?
આપણે ત્યાં સરકારી મિલકત ખાલી નહીં કરવાનો શિરસ્તો નવો નથી.અગાઉ કૉન્ગ્રેસના શાસનમાં પ્રધાનમંડળમાં આવ્યા પછી બંગલા પર કબજો કરી રાખનારાઓનો તોટો નહોતો.માત્ર બંગલા પર જ શું કામ અને પ્રધાનો જ શું કામ,આ કામ તો પક્ષના સિનિયર પદ પર રહેલાઓ પણ કરતા અને વિદ્યાર્થી નેતાઓ દ્વારા પણ આ કામ થતું.કામ થતું અને એ પણ પૂરેપૂરા હકથી થતું. કોઈની બીક રહેતી નહીં અને કોઈની બીક રાખવાની પણ નહોતી. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી તો રાજકીય પક્ષોના જુનિયર નેતાઓનો અડ્ડો બની ગઈ હતી.આજે હવે પરિસ્થિતિ સુધરી છે,પણ પહેલાં તો ત્યાં રહેનારાઓમાંથી ૮૦-૯૦ ટકા સ્ટુડન્ટ્સ હતા જ નહીં. કહો કે નામના સ્ટુડન્ટ્સ હતા.કરતા કંઈ નહોતા અને એ પછી પણ યુનિવર્સિટીના કોઈ ને કોઈ કોર્સમાં ઍડ્મિશન લઈને હૉસ્ટેલમાં કબજો જાળવી રાખતા.માત્ર દિલ્હી જ નહીં,દેશભરનાં મોટા ભાગનાં શહેરોની યુનિવર્સિટીની એ જ હાલત હતી. બધી જગ્યાએ પૉલિટિકલ પાર્ટીની આડશમાં સ્ટુડન્ટ્સના નામે અડ્ડા જમાવવામાં આવતા હતા.જોયું છે આ,સાંભળ્યું છે અને ભોગવ્યું પણ છે આ.
સરકારી મિલકતને પોતાના બાપની મિલકત માનનારાઓનો જગતમાં તોટો નથી.રાજકીય સંન્યાસ લીધા પછી કે પ્રજાએ આપેલા જાકારા પછી પણ જગ્યા ખાલી નહીં કરનારાઓની સંખ્યા કદાચ આપણે ત્યાં સૌથી વધારે છે અને એટલે જ ડોનલ્ડ ટ્રમ્પની વાત જ્યારે આવે છે ત્યારે આપણને એમાં નવું કશું નથી લાગતું.નવું લાગે છે તો એ કે અમેરિકામાં પણ આવું ચાલે છે.અમેરિકન પણ આવી માનસિકતાના હોય છે. એમ છતાં એટલું તો નક્કી કે ટ્રમ્પે જે કર્યું છે એ તો ખરેખર હાસ્યાસ્પદ છે. વડા પ્રધાન આવી વાત કરે તો સાચે જ હસવું આવવું જોઈએ. આપણે ત્યાં હજી વડા પ્રધાનમાં આવી હિંમત આવી નથી એટલી નિરાંત છે.
ટ્રમ્પે ઘર ખાલી નહીં કરવાની જે ધમકી આપી છે એની પાછળ ઇલેક્શનમાં થયેલી ગરબડને જવાબદાર ગણવામાં આવે છે.ટ્રમ્પ મહાશયનું કહેવું છે કે બાઇડને ઇલેક્શનમાં ગરબડ કરી છે એટલે તેઓ વાઇટ હાઉસ ખાલી નહીં કરે.આ માન્યતાનું કે આ ધારણાનું કશું ઊપજવાનું નથી અને બાઇડન જ અમેરિકાનું સુકાન સંભાળશે એ નક્કી છે, પણ આ આક્ષેપો પછી એક વાત પૂછવાનું મન ચોક્કસ થાય.ડોનલ્ડ ટ્રમ્પ અને ઇન્ડિયન કૉન્ગ્રેસ કે પછી સોનિયા ગાંધી,રાહુલ ગાંધીને એકબીજા સાથે કોઈ સીધો સંબંધ હશે ખરો?